બૉમ્બે એસોસિયેશન (1852) : રાજકીય હકોની માગણી માટે સ્થપાયેલી ભારતીય સંસ્થા. કૉલકાતામાં 1851માં સ્થપાયેલ ‘બ્રિટિશ ઇંડિયન એસોસિયેશન’ની શાખા રૂપે 1852માં મુંબઈમાં ‘બૉમ્બે એસોસિયેશન’ અને ચેન્નઈમાં ‘મદ્રાસ નેટિવ એસોસિયેશન’ની સ્થાપના થઈ હતી. તે માટે મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં 26મી ઑગસ્ટ 1852ના રોજ જગન્નાથ શંકરશેટના પ્રમુખપદે સભા મળી હતી. આ સંસ્થાનો હેતુ મુંબઈ રાજ્યના લોકોનાં હિતોની સંભાળ રાખવાનો અને દેશની સુધારણા તથા કલ્યાણ માટે વખતોવખત સત્તાવાળાઓ સમક્ષ રજૂઆતો કરવાનો હતો. આ સંસ્થા દેશનાં પ્રજાજનોને નુકસાન થાય એવા કાયદાઓ થતા અટકાવવા અને ફાયદો થાય એવા કાયદાઓ કરવા હિંદ અને ઇંગ્લૅન્ડની સરકારો સમક્ષ, પ્રસંગોપાત્ત, રજૂઆતો કરતી હતી. 1853માં થનાર નવા સનદી ધારા (chartered act) અંગે ઇંગ્લૅન્ડમાં જે ચર્ચા ચાલી રહી હતી તેમાં હિંદની પ્રજાને લાભ થાય તથા સરકારી તંત્રમાં સુધારો થાય એવાં સૂચનોવાળી અરજી ઇંગ્લૅન્ડની સરકાર સમક્ષ આ સંસ્થાએ રજૂ કરી તેમાં નીચેની માગણીઓ અને સૂચનો કરવામાં આવ્યાં હતાં : (1) મુંબઈ, ચેન્નઈ અને બંગાળની ધારા-સમિતિઓમાં સભ્ય તરીકે યોગ્યતા ધરાવનારાઓની નિમણૂક કરવી. એમની સત્તા વધારવી જોઈએ. (2) પ્રાંતોની સરકારના સચિવોની આપખુદ સત્તાઓ ઘટાડવી અને સરકારી બાબતોની ગોપનીયતાનો નિયમ હળવો કરવો. (3) વર્તમાન સમિતિઓ નાબૂદ કરવી અને નવી સમિતિઓમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો તથા યોગ્ય લાયકાતવાળા યુરોપિયન અને હિંદી નાગરિકોની નિમણૂક કરવી. (4) પ્રાંતોની ઉચ્ચ સરકારી નોકરીઓમાં ઇંગ્લૅન્ડના અનુભવી વહીવટી અધિકારીઓની નિમણૂક કરવી, જેથી વહીવટમાં સુધારો થાય. (5) સરકારે કારોબારી અને ન્યાયતંત્રને એકબીજાંથી અલગ કરવાં. (6) સરકારી નોકરીમાં હિંદીઓ દાખલ થઈ શકે એ માટે એમને શિક્ષણ અને તાલીમ આપવા કૉલેજ કે યુનિવર્સિટીની સ્થાપના કરવી. આ ઉપરાંત હૅલિબરી કૉલેજમાંથી જ સરકારી કર્મચારીઓની ભરતી કરવા અને હિંદીઓને તેમાંથી બાકાત રાખવાની નીતિનો એસોસિયેશને વિરોધ કર્યો હતો. આ બધી માગણીઓ અને રજૂઆતો નમ્ર તથા વિનયી ભાષામાં, અંગ્રેજી રાજ્યના લાભો વર્ણવ્યા પછી, કરવામાં આવી હતી. આમ છતાં આ અરજીની ‘સ્પેક્ટેટર’ સિવાયનાં બધાં અંગ્રેજી વર્તમાનપત્રોએ ટીકા કરી હતી. તેને લીધે સરકારના કેટલાક ટેકેદારો આ સંસ્થાથી અલગ થઈ ગયા હતા.

બૉમ્બે એસોસિયેશન મુંબઈ પ્રાંતની સૌપ્રથમ રાજકીય સંસ્થા હતી. મુંબઈના ઉચ્ચ વર્ગના લોકોનું એ પ્રતિનિધિત્વ કરતી હતી. એના નેતાઓ દાદાભાઈ નવરોજી, જગન્નાથ શંકરશેટ, સર મંગળદાસ નથુભાઈ, નવરોજી ફરદૂનજી વગેરે હતા. મુંબઈના શિક્ષિત નાગરિકોમાં રાજકીય જાગૃતિ લાવવામાં આ સંસ્થાએ મહત્વનો ફાળો આપ્યો હતો.

મુગટલાલ પોપટલાલ બાવીસી