બોમલ, વિલિયમ જે. (જ. 1922) : અમેરિકાની પ્રિન્સટન તથા ન્યૂયૉર્ક યુનિવર્સિટીઓમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તથા સામાજિક કલ્યાણના હિમાયતી ચિંતક. પૂર્વ યુરોપમાંથી અમેરિકામાં સ્થળાંતર કરી ગયેલાં યહૂદી માતાપિતાના પુત્ર. પિતા સન્નિષ્ઠ માર્ક્સવાદી હોવાથી ડાબેરી વિચારસરણી ધરાવતા બુદ્ધિજીવી જૂથમાં સક્રિય હતા. પરિણામે પુત્રને બાળપણથી જ ડાબેરી વિચારસરણીના બોધપાઠ મળેલા; તેમ છતાં તેઓ ગરીબીની સાથોસાથ રાષ્ટ્રીયતા, ધર્મ, લિંગ, વંશ, જાતિ ઇત્યાદિને આધારે વર્તાતા સામાજિક ભેદભાવને પણ ઘૃણાસ્પદ ગણે છે અને નાગરિક સ્વતંત્રતાની હિમાયત કરે છે. તેમના મંતવ્ય મુજબ ગરીબી દૂર કરવા, બેકારોને રોજગારી આપવા, મકાનવિહોણાઓને રહેઠાણ આપવા, સર્વસામાન્ય જનતાનું જીવનધોરણ સુધારવા તથા પ્રદૂષણ અટકાવી પરિસ્થિતિ-સંતુલન જાળવી રાખવા માટે નક્કર કાર્યક્રમો ઘડવા જોઈએ અને તેમનો સન્નિષ્ઠપણે અમલ થવો જોઈએ. તેઓ એમ પણ માને છે કે અર્થશાસ્ત્રની સફળતાની મુલવણી ગરીબી અને બેકારી દૂર કરવામાં તથા માનવજીવનની ગુણવત્તા સુધારવામાં તે કેટલે અંશે અસરકારક નીવડે છે તેના આધારે કરવી જોઈએ, નહિ કે ઉદ્દેશ વિનાના સિદ્ધાંતો પાછળ રહેલી તર્કસંગતતાને આધારે. અર્થશાસ્ત્રમાં થતું સંશોધન અમૂર્ત હોય, સમાજની જટિલ આર્થિક સમસ્યાઓના નિરાકરણ માટે તે બિનઉપયોગી હોય તો તે પ્રકારનું સંશોધન બૌદ્ધિક ર્દષ્ટિએ ગમે તેટલું ઉચ્ચ દરજ્જાનું હોય, હકીકતમાં તે અર્થહીન ગણાવું જોઈએ એવું તેમનું મંતવ્ય છે.

ખાસ નોંધપાત્ર બાબત એ છે કે તેમની વિચારસરણીનો વિરોધ જમણેરી વિચારકો ઉપરાંત ઉદ્દામવાદી ડાબેરી વિચારકો તથા રોમૅન્ટિક ડાબેરીઓ (left-wing romantics) દ્વારા પણ થતો રહ્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે