બૉનિંગ્ટન, ક્રિસ (સર) (જ. 1934, લંડન) : પર્વતારોહક તથા ફોટો-જર્નાલિસ્ટ. તેમણે સૅન્ડહર્સ્ટ ખાતેની રૉયલ મિલિટરી એકૅડેમી ખાતે તાલીમ લીધી. તેમણે પોતાના સર્વપ્રથમ પર્વતારોહણ દરમિયાન અન્નપૂર્ણા-2 (1960) તથા નુપ્તસે (1961) પર ચઢાણ કર્યું. 1962માં આઇગરનું ઉત્તરીય ચઢાણ કર્યું અને 1983માં દક્ષિણ ધ્રુવ પરના માઉન્ટ વિન્સન પર ચઢાણ કરીને તેઓ એ સ્થળોના આરોહણના સર્વપ્રથમ બ્રિટિશ આરોહક બન્યા.
તેમણે અનેક સાહસપૂર્ણ આરોહણનું નેતૃત્વ અથવા સહનેતૃત્વ સફળતાપૂર્વક સાંગોપાંગ પાર પાડ્યું; તેમાં અન્નપૂર્ણા દક્ષિણ મુખ (1970) અને એવરેસ્ટ તથા એવરેસ્ટ નૈર્ઋત્ય મુખ(1972)નો સમાવેશ થાય છે. 1985માં તેમણે એવરેસ્ટ શિખર પણ સર કર્યું.
1996માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો.
મહેશ ચોકસી