બૉનાર્ડ, પિયેરે (જ. 1867; અ. 1947) : મૂળભૂત અને સપાટ (flat) રંગો વડે સર્જન કરનાર આધુનિક ફ્રેન્ચ ચિત્રકાર. અકાદમી જુલિયેંમાં બુહારે અને રૉબર્ટ-ફ્લૂરી પાસે તાલીમ લીધા પછી 1890માં તેમણે પૅરિસમાં સ્વતંત્ર કારકિર્દીનો પ્રારંભ કર્યો. મૂળભૂત અને સપાટ રંગો વડે ચિત્ર કરવાનો પ્રારંભ કરનાર તરીકે કલાના ઇતિહાસમાં તેમનું અગત્યનું સ્થાન છે. તેમણે એદોઆ વુઇલા અને અન્ય ચિત્રકારો સાથે ‘નબીસ’ નામના જૂથની રચના કરી. (હિબ્રૂમાં ‘નબીસ’ એટલે પયગંબર.) આ જૂથને તેમણે પોતાની માફક શુદ્ધ અને સપાટ રંગો વડે ચિત્રો કરવાની પ્રેરણા પૂરી પાડી. આ રીતે ચિત્ર કરવાથી રૂઢ (academic) શૈલીનાં ચિત્રોમાં જોવા મળતું ચાક્ષુષ ઊંડાણ આલેખી શકાતું નથી. ક્લૉદ મૉને અને પૉલ ગોગાંનાં 1880 પછી કરેલાં ચિત્રો તથા જાપાનની મુદ્રણક્ષમ કળા બૉનાર્ડનો આદર્શ હતો. આ આદર્શોની માફક તેમણે પણ આકારોને સરળ બનાવી દીધા, જેથી શુદ્ધ તેજસ્વી રંગો કૅનવાસ પર મોકળાશથી પ્રસરી શકે.

ઘરાળુ ર્દશ્યો, સ્નાનમગ્ન નવયૌવનાઓ અને દક્ષિણ ફ્રાંસનો નિસર્ગ બૉનાર્ડની ચિત્રકળાના મુખ્ય વિષયો બન્યાં છે.

અમિતાભ મડિયા