બૈરામખાન (જ. 1524, બલ્ખ; અ. 31 જાન્યુઆરી 1561, અણહિલવાડ, ગુજરાત) : સગીર શહેનશાહ અકબરનો વાલી અને રાજ્યનો સંચાલક. મુઘલયુગનો મહત્વનો અમીર. પૂર્વજો મૂળ ઈરાનમાં વસતા તુર્ક કબીલાના હતા. દાદા થારઅલી અને પિતા સૈફઅલી મુઘલ સમ્રાટ બાબરની સેવામાં હતા (ઈ. સ. 1524માં). તેનો જન્મ થયા પછી ટૂંકસમયમાં પિતાનું અવસાન થતાં બાળપણ તેણે બલ્ખમાં વિતાવ્યું. ઈ.સ. 1539માં મુઘલ સમ્રાટ હુમાયૂંની સેવામાં જોડાયો. શેરશાહ તથા ગુજરાતના સુલતાન બહાદુરશાહ સામેના યુદ્ધમાં હુમાયૂંને વફાદારીપૂર્વક સાથ આપ્યો. ઈ. સ. 1540માં કનોજના યુદ્ધમાં શેરશાહને હાથે હુમાયૂંનો પરાજય થયો તે પછી થોડો સમય શેરશાહની કેદમાં રહ્યો; પરંતુ તક મળતાં ત્યાંથી ભાગી જઈ ટૂંકસમયમાં પુન: હુમાયૂં સાથે જોડાઈ ગયો. હુમાયૂંની રઝળપાટ દરમિયાન તેના અત્યંત વિશ્વાસુ અને વફાદાર સાથી તરીકે તેની સાથે રહ્યો. તેના પ્રયાસોથી ઈરાનના શાહ તરફથી હુમાયૂંને લશ્કરી મદદ મળી. આ લશ્કરની સહાયથી હુમાયૂંએ હિંદમાંના ગુમાવેલા પ્રદેશો પુન: પ્રાપ્ત કર્યા. ઈ.સ. 1555માં સરહિંદના યુદ્ધમાં અફઘાન શાસક સિકંદર સૂરને પરાજિત કરી દિલ્હીમાં મુઘલ સત્તા પુન: સ્થાપિત કરવામાં બૈરામખાને મહત્વની ભૂમિકા ભજવી. તેની કામગીરીથી પ્રભાવિત થયેલા હુમાયૂંએ તેને ‘ખાનખાનાં’નો ઇલકાબ આપ્યો. ઈ. સ. 1556માં હુમાયૂંનું મૃત્યુ થતાં કટોકટીની ક્ષણોમાં તેના સગીર પુત્ર અકબરના શુભેચ્છક અને સંરક્ષક તરીકે મુઘલ સત્તાનું રક્ષણ કર્યું. હુમાયૂંના અવસાનનો લાભ લઈ હેમુ વિક્રમાદિત્યે દિલ્હીનો કબજો લીધો હતો. તેને 1556માં પાણીપતના બીજા યુદ્ધમાં પરાજિત કરી અકબરને દિલ્હીના સમ્રાટ તરીકે પુન: સ્થાપિત કર્યો. તે પછીનાં ચાર વર્ષ 1556–1560 સુધી સમ્રાટના વાલી તરીકે રાજ્યમાં સર્વોપરી સત્તા ભોગવી. અકબરની સગીરાવસ્થા દરમિયાન તેના શાસનકાળમાં દિલ્હી, મેવાત, માનકોટ, ગ્વાલિયરનો કિલ્લો, સંભલ, જોનપુરનો કિલ્લો વગેરે જીતી લેવામાં આવ્યાં. તેણે અકબરના શિક્ષણ માટે વિદ્વાન અને ઉદાર અધ્યાપક મીર અબ્દુલ લતીફને નીમ્યો હતો. બૈરામખાને રાજ્યવિસ્તાર સહિત વહીવટી વ્યવસ્થા પર પણ ધ્યાન આપ્યું હતું અને અકબરને શાસનની તાલીમ આપી હતી. તેની સ્વામીભક્તિ, કર્તવ્યપરાયણતા, નિષ્ઠા તથા અધીનતા નોંધપાત્ર હતાં. તેના સ્વભાવમાં રહેલા કેટલાક દોષ, શિયાપંથીઓ પ્રત્યેનું પક્ષપાતપૂર્ણ વલણ, વિરોધીઓની ખટપટ વગેરે કારણોથી નારાજ થયેલા અકબરે 1560માં તેની પાસેથી સર્વસત્તા આંચકી લીધી. અપમાનિત થવા છતાં મુઘલવંશ પ્રત્યેની સ્વામીભક્તિને કારણે રાજદ્રોહ કરવાને બદલે તે મક્કા તરફ હજ કરવા ચાલ્યો ગયો. તે દરમિયાન રસ્તામાં એક અફઘાન સૈનિકે અંગત અદાવતને કારણે ગુજરાતના પાટણ શહેરમાં તેની હત્યા કરી.

રોહિત પ્ર. પંડ્યા