બૈરૂત : લેબેનોન પ્રજાસત્તાકનું પાટનગર તથા મુખ્ય શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન  : 34° 00´ ઉ. અ. અને 35° 40´ પૂ. રે. તે પશ્ચિમ લેબેનોનના મધ્ય ભાગમાં, દમાસ્કસથી આશરે 145 કિમી. દૂર વાયવ્યમાં, ભૂમધ્ય સમુદ્રને કિનારે સેન્ટ જ્યૉર્જના ઉપસાગર પર આવેલું છે. બૈરૂત લેબેનોનનું મુખ્ય વાણિજ્યકેન્દ્ર તથા સાંસ્કૃતિક મથક પણ છે.

પ્રાકૃતિક રચના : આ શહેર ત્રિકોણ આકારમાં ગોઠવાયેલું છે. પૂર્વ ભાગ ખડકાળ ટેકરીઓવાળો છે. પશ્ચિમ તરફ જતાં ભૂમધ્ય સમુદ્રનો કિનારો આવે છે, ત્યાં સેન્ટ જ્યૉર્જનો ઉપસાગર સુંદર અર્ધગોળાકારમાં પથરાયેલો છે. અહીંની દરિયાકિનારાની પટ્ટી સાંકડું મેદાન રચે છે. અહીંથી પહાડી પ્રદેશનું ભવ્ય પ્રાકૃતિક દૃશ્ય લેબેનોનને અપ્રતિમ સૌંદર્ય બક્ષે છે, તેમાં ઘસારાજન્ય કુદરતી પુલો, ગુફાઓ જેવા આકારો રચાયા છે. પહાડી પ્રદેશમાં ભૂગર્ભ નદીઓ વહે છે, તેમના જળપ્રવાહો પહાડી ઢોળાવો પર ફૂટી નીકળે છે. શ્વેત ચૂનાખડકો તથા લાલ રેતીખડકોથી બનેલાં શિખરો ભૂમધ્ય સમુદ્રની રંગીન પાર્શ્વભૂ સહિત અનેરું શ્ય રજૂ કરે છે. ભૂતકાળમાં જ્યારે તે ફિનિશિયનો દ્વારા વસાવાયેલું ત્યારે આ સ્થળ માત્ર ખડકાળ ટાપુ સમું હતું, નાનાં નાનાં ઝરણાં સમુદ્રજળમાં ભળી જતાં હતાં. તથા અહીંનો કેટલોક પ્રદેશ પંકભૂમિથી બનેલો હતો. કિનારાનો ટાપુ જેવો વિભાગ ક્રમે ક્રમે નવસાધ્ય થવાથી મુખ્ય ભૂમિભાગ સાથે જોડાઈ ગયો છે. બૈરૂતની ઉત્તરમાં વહેતી ડૉગ નદી (Dog River) જ્યાં સમુદ્રને મળતી હતી તે નદીમુખ પર, લડાઈઓ લડાયેલી તેના પુરાવા પણ જોવા મળે છે.

આબોહવા : બૈરૂતની આબોહવા ભૂમધ્ય પ્રકારની છે. અહીં શિયાળા ટૂંકા, ઠંડા તથા ભેજવાળા અને ઉનાળા લાંબા, ગરમ તથા સૂકા રહે છે. અહીંની લાંબી મોસમ ખેતપેદાશો લેવા માટે અનુકૂળ પડે છે, પરંતુ ખેતીયોગ્ય સમતળ જમીનોનું પ્રમાણ ઓછું છે. બૈરૂતની દક્ષિણનો ભાગ ઑલિવનાં વિશાળ ઝુંડ માટે દુનિયાભરમાં ખૂબ જાણીતો બનેલો છે. અહીં ખજૂર, કેળ તથા પાઇનનાં વૃક્ષો ઊગે છે. આ પાકો માટે અહીંના શિયાળા વધુ પડતા ઠંડા બની રહે છે.

વસ્તી : 1991 મુજબ બૈરૂતની વસ્તી 15,00,000 જેટલી છે. ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કિનારા પર વસેલા આ શહેરમાં લેબેનોનની કુલ વસ્તીના આશરે 25 % લોકો વસે છે. બૈરૂતનો મુખ્ય વ્યાપારી વિભાગ તેમજ હોટેલો અને ઊંચી ઇમારતો મોટાભાગે દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલાં છે. હામરા તરીકે જાણીતા  બનેલા અદ્યતન ભાગમાં ઘણી કાફે, દુકાનો, સિનેમાઘરો તથા રાત્રિક્લબો આવેલાં છે. નિવાસી વિસ્તારોની વહેંચણી ધર્મ, સામાજિક વર્ગ તથા જાતિસમૂહોને આધારે થયેલી જોવા મળે છે. મધ્યમ અને ઉચ્ચ વર્ગના ખ્રિસ્તીઓ તથા મુસ્લિમો અલગ અલગ વિસ્તારમાં રહે છે. આરબ-ઇઝરાયલ યુદ્ધમાંથી આવેલ નિરાશ્રિતો બૈરૂતના ગીચ વિભાગમાં કૅમ્પ બનાવીને રહે છે.

ઉદ્યોગ-પરિવહન : બૈરૂત લેબેનોન તેમજ સીરિયાનું પ્રવેશદ્વાર ગણાય છે. વાણિજ્ય અને  બૅંકિંગ બૈરૂતની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. આ બંદર દમાસ્કસ તથા વધુ અંદરના ભૂમિવિસ્તારની પેદાશોની હેરફેર માટે અગત્યનું મથક બની રહેલું છે. અહીંથી રેશમ, ઊન, ગુંદર, ફળો, ચામડાં તેમજ પ્રાણિજ પેદાશોની નિકાસ થાય છે. આ બંદરેથી ઘણો માલસામાન વહાણો મારફતે ઇરાક અને ઈરાન સુધી જાય છે. આ બંદર તરંગરોધો(breakwaters)થી આરક્ષિત છે. અહીંનાં બારાં પર મોટા કદનાં વહાણો લાંગરી શકે છે, માલસામાન ભરવા-ખાલી કરવા માટેની સુવિધાઓ પણ છે. બૈરૂત રેલમાર્ગ, સડકમાર્ગ તથા હવાઈ માર્ગ માટેનું મોકાનું મથક ગણાય છે. શહેરની દક્ષિણે મહત્વનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. રેશમનો ઉદ્યોગ અહીંનો મુખ્ય ઉદ્યોગ છે. આ ઉપરાંત કેટલાક નાના ઉદ્યોગો પણ વિકસેલા છે.

ઇતિહાસ : ઈ. પૂ. આશરે 3000ના અરસામાં ફિનિશિયનોએ બૈરૂતનું આ સ્થળ વસાવેલું હોવાનું કહેવાય છે. તેના ઇતિહાસની તવારીખ ઇજિપ્તના ફેરોના સમય સાથે સરખાવી શકાય. આ સ્થળ ઘણી બધી લડાઈઓનું ક્ષેત્ર બની રહેલું. પરિણામે તે અંશત: કે પૂર્ણપણે તેમાં તારાજ થતું રહેલું, પરંતુ પુનર્નિર્માણ પણ પામેલું છે. સમયભેદે તે જુદાં જુદાં શાસનો હેઠળ રહેલું છે, તેમાં એસિરિયનો, ગ્રીકો, રોમનો, ઑટોમાન, તુર્કો તથા ફ્રેન્ચોનાં શાસનોનો સમાવેશ થાય છે.

પ્રાચીન સમયમાં અહીંના લોકો બેરીતસ (Berytus) તરીકે ઓળખાતા. ઈ. પૂ. 140માં સેલ્યુસિડની ગાદી માટેના સંઘર્ષમાં આ શહેરનો નાશ થયેલો. તે પછીના નવનિર્માણ બાદ રોમન રાજપુરુષ અને જનરલ માર્કસ (Marcus) એગ્રિપ્પાએ આ શહેરનો કબજો લીધો તથા તેને રોમનોનું પ્રાંતીય કેન્દ્ર બનાવ્યું. જુડિયાના મહાન રાજવી હેરોડે અહીં મોટી ઇમારતો બંધાવેલી, તે અહીં દ્વંદ્વયુદ્ધની સ્પર્ધાઓ યોજતો. હેરોડ એગ્રિપ્પા પહેલાએ અહીં થિયટરો તેમજ ઍમ્ફીથિયેટરો પણ બંધાવેલાં. રોમનકાળમાં આ શહેર સમૃદ્ધિ પામેલું અને શિક્ષણ માટે પણ ખ્યાતિ પામેલું.

એક સમયે પચરંગી નગરની ભવ્યતા ધારણ કરી ચૂકેલા પરંતુ તાજેતરનાં વર્ષોમાં હવાઈ આક્રમણોનું નિશાન બનેલા વર્તમાન બૈરૂત શહેરની એક તસવીર

551માં અહીં થયેલા ભૂકંપોને કારણે તે તારાજ થઈ ગયેલું. 635માં આરબોએ તેને જીતી લીધેલું. 1110માં બાલ્ડવિન પહેલાએ તેનો કબજો મેળવેલો. 1151માં ઇજિપ્શિયનોએ કરેલા દરિયાઈ હુમલામાં આ શહેર નાશ પામેલું. 1177થી 1187 દરમિયાન આ સ્થળે સતત લડાઈઓ થતી રહેલી, 1187માં સલાદીને તેનો કબજો મેળવ્યો ત્યારે શહેરના કિલ્લા અને કોટની દીવાલોને ઘણું નુકસાન પહોંચેલું. 1230માં બ્રિનેના જૉને અહીં મોટો કિલ્લો અને શહેર ફરતો કોટ બંધાવ્યો. 1231માં ફ્રેડરિક બીજાએ આ શહેર કબજે કરેલું. 1291માં મુસ્લિમો દ્વારા જેરૂસલેમના સામ્રાજ્યનો અંત આવ્યો. 1517માં તે તુર્કોના કબજામાં ગયું.

સત્તરમી સદીની શરૂઆતમાં બૈરૂત ફરીને મજબૂત અને સ્વતંત્ર શહેર તરીકે બેઠું થયું, શહેરે પોતાની સંરક્ષણ-હરોળ ઊભી કરી અને વેપાર વિકસાવ્યો. 1763માં ફરીથી તુર્કો અહીં પ્રવેશ્યા. 1789 સુધી તો તે પૂરતા પ્રમાણમાં સમર્થ બન્યું ન હતું; તેથી કિલ્લેબંધી કરાવી અને વધુ સંરક્ષણાત્મક પગલાં લીધાં; તેમ છતાં 1830માં ઇજિપ્તના મહેમત અલને હંફાવવા જેટલું શક્તિશાળી ન હોવાથી, તેણે આ શહેરનો કબજો મેળવી લીધેલો. 1840માં બ્રિટિશ, ઑસ્ટ્રિયા અને તુર્કીની ટુકડીઓએ અહીંના બંદર પર બૉંબવર્ષા કરી. છેવટે તે તુર્કોના કબજામાં ગયું. ઓગણસીમી સદીના ઉત્તરાર્ધના ગાળા દરમિયાન બૈરૂત અરબી શિક્ષણ અને સંસ્કૃતિનું પ્રધાન મથક બની રહ્યું.

પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન બ્રિટિશ હકૂમત હેઠળનાં ભારતીય દળો 1918ના ઑક્ટોબરની 8મી તારીખે બૈરૂતમાં પ્રવેશ્યાં, પરંતુ ફ્રેન્ચ દળોએ શહેરનો કબજો મેળવી લીધો. વિશ્વયુદ્ધ બાદ તે ફ્રેન્ચોનું વહીવટી કેન્દ્ર બન્યું. ફ્રેન્ચ સરકારે 1941 સુધી તેનો કબજો રાખેલો. 1941ના નવેમ્બરની 26મી તારીખે લેબેનોન સ્વતંત્ર બન્યું અને બૈરૂત તેનું પાટનગર બન્યું. આમ વીસમી સદીના મધ્ય સુધીમાં તે મધ્યપૂર્વના દેશો માટેનું નાણાકીય તથા વાણિજ્ય મથક તેમજ અદ્યતન શહેર બની રહ્યું.

1975–76માં લેબેનોનના ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે અહીં આંતરવિગ્રહ થયેલો. લેબેનોન બે વિભાગોમાં વહેંચાઈ ગયું, વેપાર પડી ભાંગ્યો, અર્થતંત્રની ખાનાખરાબી થઈ ગઈ, બૈરૂત તારાજ થઈ ગયું. વીસમી સદીનાં છેલ્લાં પચીસ વર્ષો દરમિયાન બૈરૂત તેના આધુનિક દીદાર સાથે બેઠું થયું છે; પરંતુ આ બંને જૂથો વચ્ચે સતત ચાલતી રહેલી લડાઈઓ નુકસાનમાં પરિણમતી રહી. 1980માં શરૂ થયેલી લડાઈ 1989માં તેની પરાકાષ્ઠાએ પહોંચી ગયેલી; તેમ છતાં હવે આ શહેર ધીમે ધીમે વિકસતું જાય છે. શહેરની શેરીઓ સાંકડી હોવા છતાં ચોખ્ખી અને ફરસબંધીવાળી બની છે. ઠેકઠેકાણે ફુવારા તથા પીવા માટેની પાણીની સુવિધાઓ ગોઠવાયાં છે. મસ્જિદો તથા ખ્રિસ્તી દેવળો પણ ઘણાં બંધાયાં છે. આધુનિક હોટેલો, રાત્રિક્લબો, ઘોડદોડ સ્પર્ધામાર્ગો તેમજ નવી સરકારી ઇમારતો બાંધવામાં આવ્યાં છે. જૂના રીતરિવાજો અને પરંપરાઓ નવાં રૂપરંગ સાથે બહાર આવ્યાં છે. ઊંટગાડીઓ તથા ઘેટાં માર્ગો પરની વાહનવ્યવસ્થાને અવરોધરૂપ બને છે. તેની વસ્તી પચરંગી છે. ફ્રેન્ચ વિસ્તારો (sector) મોટા પ્રમાણમાં જોવા મળે છે અને ફ્રેન્ચ ભાષાનું વર્ચસ્ પણ વધુ જોવા મળે છે.

ગિરીશભાઈ પંડ્યા