બૈજનાથ મહારાજ (જ. 5. માર્ચ 1935) : રાજસ્થાનના સીકર જિલ્લાના લક્ષ્મણગઢમાં આવેલ પ્રસિદ્ધ શ્રદ્ધાનાથજી મહારાજ આશ્રમના આધ્યાત્મિક શિક્ષક અને મહંત.

બૈજનાથ મહારાજ

તેમનો જન્મ લક્ષ્મણગઢની નિકટના પનલાવા ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયેલો. પાંચ વર્ષની ઉંમરે એ ગામના સંત શ્રી શ્રદ્ધાનાથજીના સંપર્કમાં આવ્યા, જે સંપર્ક 1985 સુધી અવિરત રહ્યો અને ગુરુની સાથે સમગ્ર ભારતમાં તીર્થયાત્રાઓ કરી.

બૈજનાથના પિતા ઝાબરમલ શર્માએ 12 વર્ષની ઉંમરમાં દીનવા ગામની એક કન્યા સાથે એમની સગાઈ કરી, પરંતુ એમનું મન ગૃહસ્થજીવન તરફ બિલકુલ નહોતું. આથી ખુદ પોતે દીનવા ગામે જઈને સગાઈ તોડી આવ્યા. આથી એમના પિતા નારાજ થયા અને તેમણે બૈજનાથને ભણવાનો ખર્ચ આપવો બંધ કર્યો. ત્યારે બૈજનાથે ટ્યૂશન ભણાવવાનું શરૂ કરીને એની આવકમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો. એક વિદ્યાર્થી તરીકે તેઓ ઘણા પ્રતિભાશાળી હતા. તેમણે રાજસ્થાન વિશ્વવિદ્યાલય, જયપુરમાંથી અંગ્રેજી સાહિત્ય અને હિંદી વિષયો સાથે એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યાર પછી તેમણે શિક્ષણક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી અને 1960થી 1985 સુધી લાગલાગટ પચીસ વર્ષો સુધી જ્ઞાનભારતી વિદ્યાપીઠ, કોઠિયારીના પ્રધાનાચાર્ય તરીકે સેવાઓ આપી. આ ગાળામાં ગ્રામજનોમાં શિક્ષણ પ્રત્યે અભિરુચિ કેળવાય એવા એમના પ્રયત્નો રહ્યા. આ કાર્યકાળ દરમિયાન વિદ્યાર્થીઓના ચારિત્ર્યનિર્માણ પરત્વેની એમની ખેવનાની ભારે પ્રશંસા થતી રહી.

1985માં પોતાના ગુરુ શ્રદ્ધાનાથજીના આદેશથી શ્રી બૈજનાથજી વિદ્યાપીઠ છોડીને લક્ષ્મણગઢ આવી ગયા જ્યાં એમને નાથ પંથની વિધિવત્ દીક્ષા આપવામાં આવી અને આશ્રમમાં એમને ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કરવામાં આવ્યા. ગુરુના દેહાવસાને તેઓ આશ્રમના સંરક્ષક, અધ્યક્ષ અને પીઠાધીશ્વર તરીકે સ્થાપિત થયા. છેલ્લાં 40 વર્ષોથી બૈજનાથજી મહારાજ આ આશ્રમનું આધ્યાત્મિક તેમજ ભારતીય શાસ્ત્રીય ગ્રંથોના અધ્યયન અંગે, સ્વાસ્થ્ય શિબિર જેવી સક્રિય સેવાકીય પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો છે. તેમના માર્ગદર્શનમાં આશ્રમમાં ધાર્મિક પ્રવચનો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામુદાયિક સેવાપ્રવૃત્તિઓ નિરંતર ચાલતાં રહે છે. એમણે શ્રદ્ધા સંસ્કૃત વિદ્યાપીઠની સ્થાપના કરી છે, જેના દ્વારા સંસ્કૃત સાહિત્ય, જ્યોતિષ, વેદ, પુરાણ, વ્યાકરણ અને અન્ય શાસ્ત્રીય ગ્રંથોના અધ્યાપન-અધ્યયનની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજાં રાજ્યોના વિદ્યાર્થીઓ પણ અહીં અભ્યાસ કરવા આવે છે.

આશ્રમના વિકાસ પરત્વે શ્રી બૈજનાથજી મહારાજે શ્રી ગોરક્ષ મંદિર, શ્રી શ્રદ્ધા સ્મૃતિ મંદિર, શ્રી શ્રદ્ધા સમાધિ મંદિર, સાધનાકક્ષ, પ્રજ્ઞાન મંદિર (પુસ્તકાલય) જેવાં અનેક ભવનો બંધાવ્યાં છે. હાલમાં એમણે શ્રદ્ધાયોગ અને દર્શન શિક્ષણ સંસ્થાનની સ્થાપના કરી છે.

શ્રી બૈજનાથજીએ આધ્યાત્મિક શિક્ષણ દ્વારા આદર્શ સુંદર સમાજનું નિર્માણ થાય અને નાગરિકો ચારિત્ર્યશીલ બને એવી ઉમદા ભાવનાથી અનેક પુસ્તકો લખી પ્રકાશિત કરાવ્યાં છે. 90 વર્ષના આ મહંતશ્રીનું છેલ્લાં 20 વર્ષથી યોગવિદ્યાને આગળ ધપાવવાનું કાર્ય અતુલનીય છે.

શ્રી બૈજનાથજી મહારાજને આધ્યાત્મિક ક્ષેત્રે કરેલા એમના અજોડ કાર્ય માટે 2025ના જાન્યુઆરીમાં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પ્રવીણચંદ્ર પરીખ