બૈકોનુર કૉસ્મોડ્રોમ : કઝાખસ્તાનમાં આવેલું અંતરીક્ષયાન પ્રમોચન મથક. 1991માં એ વખતના સોવિયેત સંઘ(u.s.s.r.)ના ભાગલા પડ્યા એ પછી જુદાં જુદાં રાજ્યોનો સમૂહ ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’(CIS)ના નામે ઓળખાય છે. બૈકોનુર કૉસ્મોડ્રોમ કઝાખસ્તાન રાજ્યની માલિકીનું ગણાય છે. તે ત્યુરાતામ (Tyuratam Leninsk) નામથી પણ ઓળખાય છે. રશિયા તેના ઉપગ્રહો પ્રક્ષેપિત કરવા માટે બૈકોનુર કૉસ્મોડ્રોમનો ઉપયોગ કરે છે, પણ તેને તેનું ભાડું ચૂકવવું પડે છે.

ઐતિહાસિક ર્દષ્ટિએ આ મથક મહત્વનું ગણાય છે. છેક 1950થી અહીં રૉકેટ અને પ્રક્ષેપાસ્ત્રના પ્રયોગો કરવામાં આવતા હતા. દુનિયાના પહેલા કૃત્રિમ ઉપગ્રહ ‘સ્પુતનિક–1’ તથા યુરી ગેગેરીનનું પહેલું (સ-માનવ) અંતરીક્ષયાન આ જ મથકેથી પ્રક્ષેપિત કરાયાં હતાં. આ મથકનું સ્થાન કઝાખસ્તાનમાં ત્યુરાતામ પાસે અરલ સમુદ્રની પૂર્વ દિશામાં અને બૈકોનુરથી ઈશાન ખૂણે લગભગ 370 કિમી. દૂર છે.

ભારતના દૂરસંવેદન ઉપગ્રહોની શ્રેણીના ત્રણ ઉપગ્રહો IRS–1A, –1B અને –1C બૈકોનુર પ્રમોચન મથક પરથી પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા.

પરંતપ પાઠક