બે-સોખ રૂહ (1977) : કાશ્મીરી કવિ ગુલામ રસૂલ સંતોષ(જ. 1929)નો કાવ્યસંગ્રહ. અગ્રણી કાશ્મીરી કવિ હોવા ઉપરાંત સંતોષ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ચિત્રકાર છે અને ચિત્રકલાની તાલીમ તેઓ વડોદરામાં એન. એસ. બેન્દ્રે પાસે પામ્યા હતા.
કવિતા અને ચિત્ર ઉપરાંત તાંત્રિક તત્ત્વજ્ઞાનમાંયે તેમને વિશેષ લગાવ છે; પરિણામે માનવજીવનનું – તેનાં મૂલ્યોનું પરિપક્વ રીતે મૂલ્યાંકન તેઓ ઉપર્યુક્ત સંગ્રહમાં કરી શક્યા છે. રોજિંદા કે ઐહિક વિષયો વિશેનાં કાવ્યોમાં પણ તેઓ ભાવોની ઉન્નતતા સિદ્ધ કરે છે અને વાચકને સહજપણે દિવ્યતા કે સુંદરતાની અનુભૂતિ કરાવે છે.
પ્રારંભિક કવિતામાં છીછરી ઉપલક સંવેદનશીલતા દેખાતી હતી; પરંતુ 1960ના દશકાના ઉત્તરાર્ધમાં તથા ’70ના દશકાના પૂર્વાર્ધમાં લખાયેલાં સૉનેટ, ગઝલ તથા નઝ્મમાં તેમની વિચારપ્રૌઢિ ધ્યાન ખેંચે છે. કાશ્મીરી કવિતાનાં વિષય તથા શૈલીની કાયાપલટ કરવામાં બેસોખ રૂહની કવિતાનું પ્રદાન મહત્વનું છે. એમાંની આધ્યાત્મિક પ્રકારના અનુભવોની કવિતામાં તેઓ મુક્ત છંદોનો ઉપયોગ કરે છે. વૈશ્વિક પ્રેમ અને સહિષ્ણુતા એ તેમના વિષયવિશેષ છે. પીંછીની જેમ જ તેઓ સહજતા, પ્રવાહિતા તથા આત્મવિશ્વાસથી કલમ પણ ચલાવે છે. કાવ્યસર્જનમાં તેમણે અનેક નવાં પ્રસ્થાનો કર્યાં છે. એ રીતે ઉપર્યુક્ત કાવ્યસંગ્રહમાં તેમના સર્જક વ્યક્તિત્વની વિશિષ્ટ મુદ્રા અંકિત થયેલી છે.
આ કાવ્યસંગ્રહને સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.
મહેશ ચોકસી