બૅસેલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળમાં 5 પ્રજાતિ અને લગભગ 22 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે મોટેભાગે ઉષ્ણકટિબંધીય અમેરિકા અને વેસ્ટ ઇંડિઝમાં થાય  છે. Basella rubra જૂની દુનિયા(ઍશિયા)ની મૂલનિવાસી જાતિ છે. Boussingaultiaની 12 જાતિઓ પૈકીની 2 જાતિઓ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ અમેરિકામાં થાય છે. Anrederaની એક જાતિ દક્ષિણ ટેક્સાસમાં થાય છે; જેનું વિતરણ ઉત્તરપશ્ચિમ દક્ષિણઅમેરિકા સુધી  થયેલું છે. ગુજરાતમાં આ કુળની માત્ર એક જાતિ Basella rubra (પોઈ) જોવા મળે છે.

આ કુળની જાતિઓ બહુવર્ષાયુ આરોહી હોય છે. કેટલીક જાતિઓ ઉપક્ષુપ (suffrutescent) હોય છે. તે મોટેભાગે માંસલ હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, માંસલ, સદંડી (petiolate) અને અનુપપર્ણીય (estipulate) હોય છે. પુષ્પવિન્યાસ શૂકી (spike), કલગી (raceme), અથવા લઘુપુષ્પગુચ્છી (panicle) પ્રકારનો જોવા મળે છે. પુષ્પ નિયમિત, દ્વિલિંગી અધોજાયી (hypogynous) હોય છે અને બે નિપત્રોનું બનેલું નિચક્ર (involucre) ધરાવે છે. પરિદલપુંજ (perianth) એકચક્રીય (uniseriate) હોય છે અને 5 મુક્ત કે તલસ્થ ભાગેથી જોડાયેલાં વજ્રસર્દશ લીલાં પરિદલપત્રો ધરાવે છે. ઘણીવાર તે રંગીન, કોરછાદી અને દીર્ઘસ્થાયી (persistent) હોય છે. દલપુંજ- (corolla)નો અભાવ હોય છે. પુંકેસરો 5; અને પરિદલપત્ર સમ્મુખ હોય છે અને તલસ્થ ભાગેથી જોડાયેલાં હોય છે. તેમના તંતુઓ મુક્ત હોય છે. પરાગાશયો દ્વિખંડી હોય છે અને તેમનું સ્ફોટન લંબવર્તી થાય છે. સ્ત્રીકેસરચક્ર ત્રિસ્ત્રીકેસરી ઊર્ધ્વસ્થ બીજાશયનું બનેલું હોય છે. બીજાશય એક કોટરીય તલસ્થ જરાયુવિન્યાસ ધરાવે છે. અંડક એકાકી અને વક્રમુખી (campylotropous) હોય છે. પરાગવાહિની 1 અને પરાગાસનો સામાન્યત: 3 હોય છે. ફળ અષ્ઠિલ પ્રકારનું હોય છે. ભ્રૂણ વલયાકાર કે કુંતલાકારે અમળાયેલો હોય છે.

બેસેલેસી (પોઈ) : (અ) પુષ્પીય શાખા; (આ) પુષ્પનો પાર્શ્વ દેખાવ; (ઇ) પુષ્પનો ઊભો છેદ; (ઈ) પુષ્પવિન્યાસ

આ કુળ તેના આરોહી માંસલ સ્વરૂપ, દ્વિલિંગી અદલીય (apetalous) પુષ્પ અને અષ્ઠિલ ફળને આવરતા દીર્ઘસ્થાયી માંસલ પરિદલપુંજ દ્વારા સરળતાથી ઓળખી શકાય છે.

આ કુળ પૉર્ચ્યુલેકેસી સાથે સૌથી ગાઢ રીતે સંબંધિત છે અને સંભવત: તેની (પૉર્ચ્યુલેકેસીની) અંતિમ પ્રગતિશીલ ઉપશાખા તરીકે ઉદભવેલ છે. બૅન્થમ અને હૂકર તેને ચિનોપૉડિયેસીમાં મૂકે છે; પરંતુ દ્વિચક્રીય પરિદલપુંજ દ્વારા તે જુદું પડે છે. આ કુળની પ્રજાતિઓમાં બે જૂથ બનાવાયાં છે : એક જૂથમાં પુંકેસરો કલિકામાં સીધા અને ભ્રૂણ કુંતલાકારે અમળાયેલો હોય છે. (દા.ત., Basella). બીજા જૂથમાં પુંકેસરો કલિકામાં વક્ર અને ભ્રૂણ વલયાકાર હોય છે. (દા.ત., Boussingaultia). હચિન્સન, ક્રૉન્ક્વિસ્ટ અને તખ્તજાને આરોહી પ્રકાંડ, રંગીન પરિદલપુંજ, છિદ્રો કે છિદ્રો જેવી કપાટો દ્વારા પરાગાશયનું સ્ફોટન અને અષ્ઠિલ ફળોને આધારે બૅસેલેસીને અલગ કુળ તરીકેનો દરજ્જો આપ્યો છે.

આ કુળની આર્થિક અગત્ય ઘણી ઓછી છે. Basella અને Boussingaultia શોભન-વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. પોઈ (Basella rubra) મૂત્રલ, પિત્તહર અને વાતહર ગણાય છે. Ullucus tuberosusનાં કાંજીયુક્ત મૂળોનો ઉષ્ણકટિબંધીય અમેરિકામાં બટાટાની અવેજીમાં ઉપયોગ થાય છે.

યોગેશ ડબગર