બેસ્તાઇલ : પૅરિસમાં રાજકીય કેદીઓ માટે જેલ તરીકે વપરાતો કિલ્લો. ફ્રાંસના રાજા ચાર્લ્સ પાંચમાએ 1370માં તે કિલ્લો બંધાવ્યો હતો. સત્તરમી સદીથી રાજાના વિરોધી અમલદારો કે પ્રતિપક્ષીઓને પૂરવા માટે જેલ તરીકે તે વપરાવા લાગ્યો. 14 જુલાઈ 1789ના રોજ પૅરિસના લોકોએ લુઈ સોળમાના અમલ દરમિયાન તેમાં રાખેલાં શસ્ત્રો તથા દારૂગોળો કબજે કરવા તેને ઘેરી લીધો. લશ્કરના ગોળીબારો થવા છતાં લોકો અંદર ધસી ગયા અને જેલના વડા અધિકારીને મારી નાખી રાજકીય કેદીઓને મુક્ત કર્યા અને કિલ્લો કબજે કર્યો. ફ્રાંસની ક્રાંતિ બાદ ક્રાંતિકારી સરકારના હુકમથી આ કિલ્લો તોડી નાખવામાં આવ્યો. ફ્રાંસમાં બેસ્તાઇલના પતનને લોકશાહી સરકારની રચનાના પ્રતીક તરીકે લેખવામાં આવે છે; તેથી 14 જુલાઈનો દિવસ આખા દેશમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે પરેડ, પ્રવચનો, સૂત્રો અને આતશબાજી દ્વારા ઉત્સાહ અને આનંદથી ઊજવવામાં આવે છે.

જયકુમાર ર. શુક્લ