બેલ, માર્ટિન (જ. 1938, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : ટેલિવિઝનના ખબરપત્રી. તેમણે કેમ્બ્રિજ ખાતે અભ્યાસ કર્યો અને 1962માં બીબીસીમાં જોડાયા. 1964થી 1976 દરમિયાન તેઓ વિદેશો માટેના વૃત્તાંતનિવેદક બન્યા. 1976–1977માં તેઓ રાજકારણી બાબતોના, 1993–94માં વિયેના ખાતેના અને 1994થી 1996 દરમિયાન વિદેશી બાબતોના વૃત્તાંતનિવેદક તરીકે કામગીરી બજાવતા રહ્યા. તેમને ‘રૉયલ ટેલિવિઝન સોસાયટીઝ રિપૉર્ટર ઑવ્ ધ યર’ (1976, 1992) અને ‘રેડિયો ઍન્ડ ધ ટેલિવિઝિન ઇન્ડસ્ટ્રીઝ ક્લબ ન્યૂઝકાસ્ટર ઑવ્ ધ યર’ (1995) નામના ઍવૉર્ડો મળ્યા છે.
1997ની સામાન્ય ચૂંટણીમાં તેમણે ઉમેદવારી નોંધાવી, તેમાં તેમણે સમાજથી તરછોડાયેલા વર્ગ અંગે ઝુંબેશ આદરી. ખુદ તેમના પોતાના આશ્ચર્ય વચ્ચે તેઓ ટેટૉનના સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને પોતાના સર્વપ્રથમ પ્રવચનમાં તેમણે પોતાને ‘ઍક્સિડેન્ટલ એમપી’ તરીકે ઓળખાવ્યા.
મહેશ ચોકસી