બેલવલકર, શ્રીપાદ કૃષ્ણ

January, 2000

બેલવલકર, શ્રીપાદ કૃષ્ણ (જ. 10 ડિસેમ્બર 1880, નરસોબાચી વાડી, જિ. કોલ્હાપુર; અ. 8 જાન્યુઆરી 1967, પુણે) : વિખ્યાત પ્રાચ્યવિદ્યાનિષ્ણાત. પ્રાથમિક શિક્ષણ કોલ્હાપુર નજીકના હેર્લે ખાતે. માધ્યમિક શિક્ષણ રાજારામ હાઈસ્કૂલ, કોલ્હાપુર તથા ઉચ્ચશિક્ષણ રાજારામ કૉલેજ, કોલ્હાપુર અને ડેક્કન કૉલેજ, પુણે ખાતે. 1902માં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા. 1902–04 દરમિયાન ડેક્કન કૉલેજમાં ફેલો તરીકે કામ કર્યું. જાણીતા આંગ્લ કવિ શૈલી અને વર્ડ્ઝવર્થનાં કાવ્યોની સમીક્ષા કરતાં મુંબઈ યુનિવર્સિટી દ્વારા એનાયત કરવામાં આવતું ‘હોમજી કરસેટજી દાદી’ પારિતોષિક 1903માં તેમના નિબંધને ફાળે ગયું હતું. ત્યારબાદ તેમણે અંગ્રેજી–સંસ્કૃત, ઇતિહાસ–રાજ્યશાસ્ત્ર અને ગ્રીક તથા યુરોપિયન તત્વજ્ઞાન – એવાં વિવિધ વિષય-જૂથો સાથે મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની પદવી ત્રણ વાર પ્રાપ્ત કરી. ‘ઝાલા વેદાન્ત પારિતોષિક’ અને તત્વજ્ઞાન માટે અપાતું ‘તેલંગ સુવર્ણપદક’ પણ તેમને એનાયત થયું હતું. થોડોક સમય મુંબઈની ઍલ્ફિન્સ્ટન સ્કૂલમાં અધ્યાપક તરીકે કામ કર્યા પછી પુણેની ડેક્કન કૉલેજમાં ક્યૂરેટરના પદ પર તેમની નિમણૂક થઈ. ત્યાં તેમણે કૉલેજના સંગ્રહમાંથી વ્યાકરણને લગતી હસ્તપ્રતોની પ્રથમ વર્ણનાત્મક સૂચિ તૈયાર કરી, જેને આધારે તેમણે ‘સિસ્ટિમ્સ ઑવ્ સંસ્કૃત ગ્રામર’ નામક શોધનિબંધ તૈયાર કર્યો. તેને મુંબઈ યુનિવર્સિટીનો ‘મંડલિક સુવર્ણચંદ્રક’ પ્રાપ્ત થયો હતો.

શ્રીપાદ કૃષ્ણ બેલવલકર

આ દરમિયાન અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર વુડ પાતંજલ વિશે શોધકાર્ય કરી રહ્યા હતા, જેમાં બેલવલકરે તેમને સહાય કરી. તેને લીધે પ્રસન્ન થયેલા પ્રોફેસર વુડે બેલવલકરને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું. તેને માન આપીને 1912માં બેલવલકર અમેરિકા ગયા અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’ પર થીસિસ રજૂ કરી (1912–14) ત્યાંની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી (1914). આ નાટકના અંગ્રેજી અને મરાઠી અનુવાદો પણ તેમણે પ્રસિદ્ધ કર્યા (1915). 1914માં સ્વદેશ પાછા આવ્યા પછી 1915માં સંસ્કૃતના પ્રોફેસર તરીકે તેઓ ડેક્કન કૉલેજમાં જોડાયા (1915–33). પુણેની વિખ્યાત સંસ્થા ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરની સ્થાપના અને વિકાસમાં તેમણે મહત્વનો ફાળો આપ્યો હતો. 1917–18 અને 1927 –33ના ગાળા દરમિયાન આ સંસ્થાના માનાર્હ મંત્રી તરીકે પણ તેમણે સેવાઓ આપેલી. આ સંસ્થા દ્વારા મહાભારતની સમાલોચનાત્મક આવૃત્તિ પ્રકટ કરવામાં આવી ત્યારે 1943 –61ના ગાળામાં એટલે કે આ પ્રકલ્પ પૂરો થયો ત્યાં સુધી તેના મુખ્ય સંપાદક તરીકે તેમણે કરેલું કામ સર્વત્ર પ્રશંસા પામ્યું હતું.

લોકમાન્ય બાળ ગંગાધર ટિળક સાથે તેમને ગાઢ સંબંધ હતો. તેમની વિનંતીથી જ લોકમાન્ય ટિળકે પ્રાચ્યવિદ્યા મંદિરને માતબર દાન આપેલું. ટિળકની પ્રેરણાથી જ બેલવલકરે ‘ગીતા-રહસ્ય’ વિશે વિસ્તૃત વિવેચન કરેલું, જે ‘વિવિધ જ્ઞાન વિસ્તાર’ પત્રિકામાં પ્રગટ થયેલું. અખિલ કેન્દ્રીય પ્રાચ્યવિદ્યા પરિષદની સ્થાપનામાં પણ તેમનો ફાળો મહત્વનો હતો.

લેખન અને સંશોધનના ક્ષેત્રમાં તેમની કામગીરી નોંધપાત્ર રહી છે : દા. ત., ‘ગીતા’ અને ‘અભિજ્ઞાનશાકુંતલમ્’  આ બંનેની પ્રમાણિત આવૃત્તિઓ (અનુક્રમે 1941, 1965); મહાભારતના ભીષ્મપર્વ અને શાંતિપર્વનું સંપાદન (અનુક્રમે 1957, 1950–53); દંડીના ‘કાવ્યાદર્શ’ની આવૃત્તિ તથા તેનું અંગ્રેજીમાં ભાષાંતર (1924) તથા વેદો, બ્રાહ્મણો અને ઉપનિષદો વિશેના ગ્રંથનું ડૉ. આર. ડી. રાનડે સાથે રહી કરેલું સંપાદન (1927). તેમના અન્ય ગ્રંથોમાં ‘માઠરવૃત્તિ’ (1924), ‘કૅનન્સ ઑવ્ ટેક્સ્ટ્યુઅલ ઍન્ડ હાયર ક્રિટિસિઝમ ઍપ્લાઇડ ટુ શાકુંતલ’ (1925), ‘વેદાન્ત ફિલૉસૉફી’ (1929) તથા ‘બસુ મલિક લેક્ચર્સ ઑન વેદાન્ત’(1929)નો પણ સમાવેશ થાય છે. અખિલ કેન્દ્રીય પ્રાચ્યવિદ્યા પરિષદના અધિવેશનમાં વૈદિક વિભાગનું (1922), વેદ અને અવસ્તા વિભાગનું (1926) અને તત્વજ્ઞાન વિભાગનું (1930) અધ્યક્ષપદ તેમને સોંપવામાં આવ્યું હતું. 1943માં ભરાયેલ આ સંસ્થાના વાર્ષિક અધિવેશનના પ્રમુખપદે તેમની વરણી થઈ હતી. રૉયલ એશિયાટિક સોસાયટીએ તેમને સન્માનનીય સભ્યપદ એનાયત કરેલું (1943). 1960માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેમને ‘સંસ્કૃત પંડિત’ની ઉપાધિ અને આમરણ પેન્શન આપવામાં આવ્યાં હતાં.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે