બેલ, ઍન્ડ્રૂઝ (જ. 1753, સેંટ ઍન્ડ્રૂઝ, સ્કૉટલૅન્ડ; અ. 1832) : નામી શિક્ષણશાસ્ત્રી. તેઓ સિસ્ટમ ઑવ્ એજ્યુકેશનના પ્રણેતા અને સ્થાપક-પ્રવર્તક લેખાય છે. બિશપ થયા પછી તેઓ 1787માં ભારત આવ્યા; 1789માં તેઓ મદ્રાસ(હવે ચેન્નઈ)ના લશ્કરી વિદ્યાલયમાં અધીક્ષક નિમાયા. ત્યાં તેમને જરૂરી શિક્ષકો મેળવવાની ખૂબ અગવડ પડી. આથી તેમણે ખુદ વિદ્યાર્થીઓ દ્વારા નિરીક્ષણ (monitoring) પદ્ધતિ વડે જાતે જ શિક્ષણ આપવાની-પામવાની નવીન પ્રથાનો પ્રારંભ કર્યો.
‘ઍન એક્સપરિમેન્ટ ઇન એજ્યુકેશન’ નામની તેમની પુસ્તિકા (1797) મહત્વની બની રહી. 1803માં સુધીમાં બ્રિટનમાં આ પુસ્તિકા પરત્વે બહુ ઓછું ધ્યાન અપાયું હતું, પરંતુ જોસેફ લેન્કસ્ટરે, એક નાનો નિબંધ લખી નિરીક્ષણપદ્ધતિની જોશીલી ભલામણ કરી. 1811માં તેઓ ‘નૅશનલ સોસાયટી ફૉર ધી એજ્યુકેશન ઑવ્ ધ પુઅર’ના અધીક્ષક નિયુક્ત થયા. એ સોસાયટી હેઠળની શાખાઓની સંખ્યા તુરત જ વધવા માંડી અને છેક 12,000 સુધી પહોંચી ગઈ.
મહેશ ચોકસી