બેર્લિનર, એમિલ (જ. 1851, હૅનૉવર, જર્મની; અ. 1929) : જર્મનીના સંશોધક. તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો તાલીમાર્થી પ્રિન્ટર તરીકે. પછી 1870માં સ્થળાંતર કરીને અમેરિકા ગયા. ત્યાં ‘બેલ ટેલિફોન કંપની’માં જોડાયા અને એ કંપનીના મુખ્ય ઇન્સ્પેક્ટરના હોદ્દા સુધી પહોંચ્યા.

1876 પછીનાં વર્ષોમાં તેમણે ઍલેક્ઝાન્ડર ગ્રેહામ બેલના ટેલિફોનમાં અનેક સુધારા પ્રયોજ્યા અને તે માટે ઘણી પેટન્ટ પણ મેળવી લીધી. તેમણે ફ્લૅટ ડિસ્ક ગ્રામોફોન રેકૉર્ડનું પણ નિદર્શન કરી બતાવ્યું. તેમણે એક એવી પદ્ધતિ પ્રયોજી, જેનાથી એક મુખ્ય (master) ડિસ્કમાંથી સંખ્યાબંધ રેકૉર્ડ તૈયાર કરી શકાય. 1915માં તેમણે સૌપ્રથમ ધ્વનિ-સુરક્ષિત (acoustic) ટાઇલની શોધ કરી હતી.

મહેશ ચોકસી