બેલ, એરિક ટેમ્પલ (જ. 17 ફેબ્રુઆરી 1883, એબર્ડિન, સ્કૉટલૅન્ડ; અ. 21 ડિસેમ્બર 1960) : સ્કૉટિશ અમેરિકન ગણિતશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી અને લેખક. પૂર્ણાંકોના ગુણધર્મ સાથે સંકળાયેલ સંખ્યાશાસ્ત્રના સિદ્ધાંતો નામે જાણીતી ગણિતની શાખામાં કેટલાક અગત્યનાં પ્રમેય તેમણે શોધ્યાં હતાં.

માત્ર ઓગણત્રીસ વર્ષની ઉંમરે તેઓ સ્કૉટલૅન્ડથી સ્થાનાંતર કરી અમેરિકા(યુ.એસ.)માં આવ્યા. અહીં સ્ટેન્સ્ફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા. બે વર્ષ અભ્યાસ કરી સ્નાતકની ઉપાધિ મેળવી. 1904થી 1906ના ગાળામાં પશ્ચિમ યુ.એસ.માં શરૂમાં ખચ્ચરના ચમારીકામ(mule skinner)માં અને ત્યારબાદ નવી રચાયેલી ટેલિફોન કંપનીમાં જોડાયા. 1906માં સાન-ફ્રાન્સિસ્કોના ધરતીકંપમાં કંપનીનો વિનાશ થયો. તેથી પાછળથી વૉશિંગ્ટનમાં ફરીથી શૈક્ષણિક કારકિર્દી આરંભી અને બીજી વાર સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ તેઓ કાષ્ઠમિલમાં જોડાયા અને શાળામાં શીખવવાનું કામ પણ શરૂ કર્યું. 1912માં તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ઉપાધિ મેળવી અને વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ગણિત શીખવવાનું શરૂ કર્યું. 1926 સુધી તેમણે આ હોદ્દો ભોગવ્યો. ત્યારબાદ કૅલિફૉર્નિયાની એક ટેક્નિકલ સંસ્થામાં જોડાયા ત્યારે ગણિતશિક્ષણ સાથે સંશોધનનું કામ પણ શરૂ કર્યું અને સંખ્યા-સિદ્ધાંત (theory of numbers) પર સંશોધનપત્રો પ્રગટ કર્યાં. અમેરિકાની ગણિત પરિષદના પ્રમુખ તરીકે તેમણે 1931થી 1933 સુધી કામ કર્યું હતું.

મુખ્યત્વે સંખ્યાસિદ્ધાંતો પર 300 કરતાં વધારે વિદ્વત્તાપૂર્ણ સંશોધનપત્રો તેમણે લખ્યાં હતાં. તેમના સહકાર્યકરો વર્ષોની મથામણ પછી પણ જે સમસ્યાઓના ઉકેલ મેળવી નહોતા શક્યા તેવી સમસ્યાઓના ઉકેલ તેમણે શોધી કાઢ્યા. તેમણે લખેલા ‘ગાણિતિક ભાવાનુવાદ’ (Arithmetical Paraphrase) પુસ્તક પર તેમને 1921માં બોચર પારિતોષિક આપવામાં આવ્યું. ‘બૈજિક અંકગણિત’ (Algebraic Arithmetic, 1927) અને ‘ગણિતશાસ્ત્રનો વિકાસ’ (Development of Mathematics, 1940) નામનાં બે પુસ્તકોમાં તેમણે તેમના ગણિતના સિદ્ધાંતો સ્પષ્ટ અને સંક્ષિપ્ત ભાષામાં રજૂ કર્યા છે.

તેમણે ‘ગણિતના જ્યોતિર્ધરો’ (Men of Mathematics, 1937) અને ‘ગણિત વિજ્ઞાનની દાસી અને મહારાણી’ (Mathematics : Queen & Servant of Science, 1951) નામનાં બે પુસ્તકો લખ્યાં અને લોકચાહના મેળવી. સંશોધન અને લેખનમાં સક્રિય યોગદાન આપવા માટે તેઓ શિક્ષણ આપવાના કાર્યમાંથી નિવૃત્ત થયા. સત્તરમી સદીના ગણિતશાસ્ત્રી પિરી દ’ ફર્માના જીવન પર આધારિત ગણિતનો ઇતિહાસ આલેખતું ‘છેલ્લી સમસ્યા’ (Last Problem) નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું. તેમણે એક ડઝન કરતાં વધારે વિજ્ઞાનકથાનાં પુસ્તકો પણ લખ્યાં છે.

શિવપ્રસાદ મ. જાની