બેરેસફૉર્ડ, બ્રુસ (જ. 1940, સિડની, ઑસ્ટ્રેલિયા) : ફિલ્મ-દિગ્દર્શક. લોના (ને વોર) અને લેસ્લી બેરેસફોર્ડના પુત્ર હતા, જેમણે ઇલેક્ટ્રિકલ સામાન વેચ્યો હતો. તેમનો ઉછેર ટૂંગાબીના બાહ્ય-પશ્ચિમ ઉપનગરમાં થયો હતો, અને ધ મીડોઝ પબ્લિક સ્કૂલ અને પછી ધ કિંગ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેઓએ યુનિવર્સિટી ઓફ સિડનીમાંથી બી. એ. નો અભ્યાસ કર્યો હતો. તેમણે કિશોરાવસ્થામાં ધ હન્ટર (1959) સહિત અનેક ટૂંકી ફિલ્મો બનાવી.
શરૂઆતમાં તેમણે સિડની ખાતે અભ્યાસ કર્યો. પછી 1966–71 દરમિયાન તેમણે બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કામગીરી કરી. 1972માં તેમણે ‘ધી એડવેન્ચર્સ ઑવ્ બૅરી મૅકેન્ઝી’ નામનું પોતાનું પ્રથમ કથાચિત્ર બનાવ્યું. ઑસ્ટ્રેલિયાના ફિલ્મ-ઉદ્યોગમાં તેઓ અગ્રણી અને ચાવીરૂપ દિગ્દર્શક તરીકે ઊપસી આવ્યા.
1976માં ‘ડૉન્સ પાર્ટી’ તથા 1979માં ‘બૅકર મૉરન્ટ’ નામનાં ચિત્રો સર્જ્યાં અને તે બદલ ઑસ્ટ્રેલિયાના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ તરફથી શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઍવૉર્ડ મળ્યો.
ત્યારપછી તો ‘ટેન્ડર મર્સિઝ’ (1982), ‘ડ્રાઇવિંગ મિસ ડેઇઝી’ (1989) અને ‘બ્લૅક રોબ’ (1991) જેવાં ચિત્રોના પરિણામે ઘણી આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામ્યા. ‘ડ્રાઇવિંગ મિસ ડેઇઝી’ને ઑસ્કાર ઍવૉર્ડ પણ મળ્યો હતો.
તે પછી તેમણે સર્જેલા ‘સાઇલન્ટ ફૉલ’ (1994), ‘લાસ્ટ ડાન્સ’ (1995) તથા ‘પૅરેડાઇઝ રોડ’ (1997) જેવાં ચિત્રો ઉલ્લેખનીય છે. 1991માં તેમણે સાઉથ ઑસ્ટ્રેલિયન સ્ટેટ ઑપેરા માટે ‘ઇલેક્ટ્રા’નું દિગ્દર્શન કરેલું.
‘જોશ હાર્ટનેટ ડેફિનેટલી વોન્ટ્સ ટુ ડુ ધીસ… ટ્રુ સ્ટોરીઝ ફ્રોમ અ લાઈફ ઇન ધ સ્ક્રીન ટ્રેડ ’ નામે 2007માં સંસ્મરણોનું પુસ્તક પ્રકાશિત થયું.
મહેશ ચોકસી