બેરિગન, ફિલિપ ફ્રાન્સિસ (જ. 1923, મિનેસૉટા) : અમેરિકાના જાણીતા શાંતિવાદી આંદોલનકર્તા અને પાદરી. સૌપ્રથમ તો તેમણે અમેરિકાના લશ્કરના યુરોપિયન કૅમ્પેનમાં કામ કર્યું (1943–46). 1955માં તેમણે પાદરી તરીકે દીક્ષા લીધી. પછી તેમણે ધર્મગુરુ તરીકે તથા શિક્ષક તરીકે અનેક સ્થળે કામગીરી બજાવી.
1962થી તેમણે શાંતિઆંદોલનને પોતાનું જીવનકાર્ય બનાવ્યું. પોતાના ભાઈ સાથે મળીને તેમણે કૅટનસ્વિલેમાં ફરજિયાત લશ્કરી ભરતીના રજિસ્ટ્રેશનનો નાશ કર્યો (1968). ત્યારથી તેમણે દેશસમસ્તનું ધ્યાન ખેંચ્યું. તેમને 6 વર્ષની જેલની સજા થઈ, પરંતુ તે ભૂગર્ભમાં ચાલ્યા ગયા. 1969માં તેમણે લગ્ન કર્યાં, પણ પાદરી-પદનો તેમણે વિધિસર ત્યાગ કર્યો ન હતો. 1970માં મૅનહટન ચર્ચમાંથી પોલીસે તેમને ઝડપી લીધા.
પત્નીના સહકાર વડે તેમણે ‘જોન હાઉસ’ની સ્થાપના કરી. આ સંસ્થા શસ્ત્રદોડ સામેની લડતમાં અહિંસક માર્ગો અપનાવવાના અભિગમ તથા ઉદ્દેશને વરેલી હતી. અમેરિકા, યુરોપ અને ઑસ્ટ્રેલિયાનાં શસ્ત્ર-કારખાનાં તથા અણુ-સામગ્રી બનાવતાં સ્થળોએ 120 વખત આંદોલન કર્યાં. લગભગ 100 વખત તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો અને 1970થી ’92 દરમિયાન 6 વર્ષ કરતાંય વધુ વખત તેમણે જેલમાં ગાળ્યો. તેમના જીવનકાર્યને લગતાં તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે.
મહેશ ચોકસી