બેરા, યોગી (મૂળ નામ : લૉરેન્સ પીટર બેરા)

January, 2000

બેરા, યોગી (મૂળ નામ : લૉરેન્સ પીટર બેરા) (જ. 1925, ન્યૂયૉર્ક) : બેઝબૉલ રમતનો જાણીતો ખેલાડી. 1946થી ’63 દરમિયાન તે ‘ન્યૂયૉર્ક યાન્કી’ તરફથી કુશળ ખેલાડી તરીકે રમ્યો; તે દરમિયાન તેણે વિશ્વ-શ્રેણીમાં 14 વખત ભાગ લઈને નવો વિક્રમ સર્જ્યો. અમેરિકન લીગની રમતોમાં કૅચર તરીકે રમીને 313 જેટલા સૌથી વધુ રન કરીને પણ નવો વિક્રમ સ્થાપ્યો.

પછીથી તેણે રમવાને બદલે ‘યાંકી’ ટીમને આ રમતનું પ્રશિક્ષણ આપવાનું કાર્ય સ્વીકાર્યું. તે પછી ‘યાંકી’ ટીમની કટ્ટર હરીફ લેખાતી ‘ન્યૂયૉર્ક મેટ્સ’ નામની ટીમને પ્રશિક્ષણ આપવાનું સ્વીકાર્યું. 1986માં તેણે ‘હ્યુસ્ટન ઍસ્ટ્રૉઝ’ માટે પ્રશિક્ષણ હાથ ધર્યું. તેનું ખૂબ જાણીતું વાક્ય છે : ‘ઇટ ઇઝન્ટ ઓવર ટિલ ઇટ્સ ઓવર.’

મહેશ ચોકસી