બેરિમૅન, જૉન (જ. 1914, ઓક્લહોમા; અ. 1972) : અમેરિકાના કવિ, આત્મકથાલેખક, નવલકથાકાર અને વિદ્વાન. તેમણે કોલંબિયા યુનિવર્સિટી તેમજ ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. ત્યારપછી અનેક યુનિવર્સિટીઓમાં અધ્યાપનકાર્ય કર્યું. છેલ્લે 1955થી ’72 દરમિયાન તેમણે મિનેસોટા યુનિવર્સિટી ખાતે માનવવિદ્યાના પ્રોફેસર તરીકે શિક્ષણકાર્ય કર્યું.

‘હોમેજ ટુ મિસ્ટ્રેસ બ્રૅડસ્ટ્રીટ’ (1956) નામક કાવ્યસંગ્રહથી કવિ તરીકે તેમને નામના અને આદર મળ્યાં. ‘ડ્રીમ સાગ્ઝ’ – એ તેમની મહામૂલી અને મહત્ત્વની કૃતિ છે. તેનો પ્રારંભ તેમણે 1955માં કર્યો. ‘77 ડ્રીમ સાગ્ઝ’ (1964), 1965માં ‘પુલિત્ઝર પ્રાઇઝ’ની વિજેતા કૃતિ બની.

જૉન બેરિમૅન

છેલ્લે છેલ્લે તે ખૂબ અશાંત તથા વ્યગ્ર મનના બની ગયા અને દારૂના વ્યસને ચઢી ગયા. અંતે મિનિયૅલિસમાં તેમણે આત્મહત્યા કરી.

મહેશ ચોકસી