બેન્થામ, જેરિમી (જ. 15 ફેબ્રુઆરી 1748, લંડન; અ. 6 જૂન 1832, લંડન) : ઉપયોગિતાવાદ(utilitarianism)ના પુરસ્કર્તા, અંગ્રેજ તત્વચિંતક અને કાયદાશાસ્ત્રી. વકીલ પિતાના આ પુત્રે ઑક્સફર્ડની ક્વીન્સ કૉલેજમાંથી પદવી મેળવી. કાયદાશાસ્ત્રના વિવિધ ઘટકોનો ઊંડો અભ્યાસ કર્યો. પિતાની અનિચ્છા છતાં બેન્થામે પ્રણાલિકાગત વકીલાત છોડી દીધી અને તેને બદલે કાયદા અને ન્યાયતંત્રના ક્ષેત્રે મહત્વના સુધારાઓ દાખલ કરવા માટે કાર્યશીલ બન્યા. કાયદાઓનું સંહિતાકરણ (codification), ન્યાયતંત્રમાં અને જેલવ્યવસ્થામાં પરિવર્તનો તથા ચૂંટણી-સુધારાઓ તેમની સક્રિયતા અને ચિંતન માટેના પ્રમુખ વિષયો હતા. એક આદર્શ જેલ બનાવવાની મહત્વાકાંક્ષી યોજના પણ તેમણે શરૂ કરી, પરંતુ સંજોગવશાત્ તે નિષ્ફળ ગઈ. યુરોપની ઘણી સરકારો તેમની સાથે કાયદા-વિષયક સલાહવિમર્શ કરતી. તેમની સેવાઓની કદર રૂપે ફ્રાંસે તેમને પોતાનું માનાર્હ નાગરિકત્વ પણ એનાયત કર્યું હતું.
બેન્થામનું મુખ્ય તાત્વિક પ્રદાન ઉપયોગિતાવાદી અને વ્યક્તિવાદી સામાજિક તથા રાજકીય વિચારસરણીનો પ્રસાર છે. ઉપયોગિતાવાદ એક એવો નૈતિક માપદંડ છે કે જેમાં કોઈ પણ કાર્ય, નીતિ કે ચીજની ઇચ્છનીયતા કેટલી હદે તે સુખ, આનંદ કે સંતોષ પેદા કરી શકે છે અથવા તો દુ:ખ અને પીડા નિવારી શકે છે તેના પર આધાર રાખે છે. તેમની વિચારસરણી મુજબ જે નીતિ, તંત્ર કે યોજના મહત્તમ વ્યક્તિઓ માટે ગુરુતમ માત્રામાં સુખનું નિર્માણ કરી શકે તે આદર્શ ગણાવી જોઈએ. બેન્થામે દરેક કાર્યમાંથી કેટલી માત્રામાં સુખ કે દુ:ખ ઉત્પન્ન થશે તેની ગણતરી કરવા માટે આંકડાશાસ્ત્રીય સૂત્રો પણ સૂચવ્યાં. તેમના મતે એક સુખ બીજા સુખ કરતાં ગુણવત્તામાં નહિ, પરંતુ માત્રામાં જ ભિન્ન હોય છે. બેન્થામના ઉપયોગિતાવાદના સિદ્ધાંતની અવ્યવહારુ, અનૈતિક અને અતિસરળ વિચારસરણી તરીકે ટીકા કરવામાં આવી.
બેન્થામ વ્યક્તિવાદના ખાસ પુરસ્કર્તા હતા. તેમની ર્દષ્ટિએ સામુદાયિક શ્રેય કરતાં વ્યક્તિના હિત અને આનંદને હમેશાં અગ્રિમતા આપવી જોઈએ. તેમણે ઇંગ્લૅન્ડની લોકશાહીને મજબૂત કરવા મતાધિકારના વ્યાપને વધારવાની તથા વાર્ષિક ચૂંટણીઓ અને ગુપ્ત મતદાન-પ્રથા દાખલ કરવાની હિમાયત કરી હતી. આર્થિક ક્ષેત્રે તેઓ મુક્ત બજાર-વ્યવસ્થાના સમર્થક હતા.
બેન્થામના મુખ્ય ગ્રંથોમાં ‘એ ફ્રૅગમેન્ટ ઑન ગવર્નમેન્ટ’ (1776) તથા ‘ઍન ઇન્ટ્રોડક્શન ટુ ધ પ્રિન્સિપલ્સ ઑવ્ મૉરલ્સ ઍન્ડ લેજિસ્લેશન’(1789)નો સમાવેશ થાય છે. તેમણે ઉપયોગિતાવાદ વિચારસરણીના પ્રસાર માટે એક સામયિક ‘વેસ્ટમિન્સ્ટર રિવ્યૂ’ પણ શરૂ કરેલું.
અમિત ધોળકિયા