બૅન્થમ, જ્યૉર્જ (જ. 22 સપ્ટેમ્બર 1800, સ્ટૉક, ડેવન; અ. 10 સપ્ટેમ્બર 1884, લંડન) : અંગ્રેજ વનસ્પતિશાસ્ત્રી. તેમના સમયની બધી જાણીતી વનસ્પતિજાતિઓના વિસ્તૃત અભ્યાસ પર આધારિત બીજધારીઓ(spermatophyta)ની તેમની વર્ગીકરણ-પદ્ધતિ વાહકપેશીધારીઓના વર્ગીકરણવિજ્ઞાનની આધુનિક પદ્ધતિઓ માટે પાયારૂપ ગણાય છે. તેઓ ફ્રેન્ચ પ્રકૃતિવિજ્ઞાની પાયરેમ દ કૅન્ડોલે વર્ણવેલ ફ્રેન્ચ વનસ્પતિસમૂહ- (flora)ની વૈશ્લેષિક (analytic) સારણીઓ દ્વારા પ્રભાવિત થયા હતા. મૉન્ટપેલિયર, ફ્રાન્સની નજીક આવેલી તેમના પિતાની સ્થાવર મિલકતના વહીવટકર્તા તરીકેની અને બ્રિટિશ ઉપયોગિતાવાદી તત્વજ્ઞાની (utilitarian philosopher) અને ધારાશાસ્ત્રી જર્મી બૅન્થમ નામના તેમના કાકાના મંત્રી (1826થી 1832) તરીકેની કામગીરી બજાવવાની સાથે સાથે નિશ્ચિત ધ્યેય સહિત વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો. તેમના પિતાજી અને કાકાનું 1833માં અવસાન થતાં બૅન્થમે તેમનું સંપૂર્ણ ધ્યાન વનસ્પતિશાસ્ત્રમાં કેન્દ્રિત કર્યું.

જ્યૉર્જ બૅન્થમ

1854માં એક લાખથી વધારે નમૂનાઓ ધરાવતું તેમનું વનસ્પતિ-સંગ્રહાલય (herbarium) રૉયલ બોટૅનિકલ ગાર્ડન, ક્યૂ, સરેને અર્પણ કર્યું. ત્યારબાદ સર વિલિયમ હૂકરે ક્યૂમાં સ્થાયી થવા તેમને નિમંત્ર્યા, જ્યાં તેમણે બ્રિટિશ વસાહતો અને કબજામાં રહેલા પ્રદેશોના વનસ્પતિસમૂહોના સર્વેક્ષણમાં ભાગ લીધો અને 1861માં ‘ફ્લોરા હૉંગકૉંગેન્સિસ’ અને ‘ફ્લોરા ઑસ્ટ્રેલિયેન્સિસ’ (7 ખંડ, 1863થી 1878) તૈયાર કર્યા જેમાં 7,000 જાતિઓની સૂચિ અને તેમનું વર્ણન આપવામાં  આવ્યું છે.

નિશ્ચિત પ્રજાતિઓ સાથે સંબંધિત જાતિઓની વહેંચણી માટે તે સમયની કસોટીઓ તેમને અપૂર્ણ માલૂમ પડતાં બધી જ બીજધારી વનસ્પતિઓના સ્પષ્ટ વર્ણનાત્મક વર્ગીકરણના સંકલનના મહત્વાકાંક્ષી કાર્યનો પ્રારંભ કર્યો. હૂકરના પુત્ર સર જોસેફનો સહયોગ લઈ બૅન્થમે વિસ્તૃત સંશોધનો માટે અને નમૂનાઓના પ્રત્યક્ષ પરીક્ષણ માટે 27 વર્ષ પુરુષાર્થ કર્યો અને લૅટિનમાં ‘જનરા પ્લેન્ટેરમ’ (3 ખંડ, 1862થી 1883) નામનો ગ્રંથ પ્રસિદ્ધ કર્યો જેમાં તેમણે 200 કુળને 7,569 પ્રજાતિઓમાં અને આ પ્રજાતિઓને 97,200 જાતિઓમાં વર્ગીકૃત કરી છે.

તેમની વર્ગીકરણ-પદ્ધતિ કૅન્ડોલેની વર્ગીકરણ-પદ્ધતિ કરતાં થોડી વધારે પરિષ્કૃત (refined) હોવા છતાં ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંત દ્વારા પ્રાગુક્ત (predicted) વનસ્પતિ જાતિ-ઉદભવન(speciation)ની ગતિશીલ પ્રકૃતિને સમજાવવામાં નિષ્ફળ ગઈ. આમ છતાં આ પદ્ધતિ પ્રજાતિઓ અને જાતિઓના અધિકૃત વર્ગીકરણ માટે પ્રસ્થાપિત થઈ અને ઉત્ક્રાંતિના સિદ્ધાંત પર આધારિત આધુનિક વર્ગીકરણ-પદ્ધતિઓ દ્વારા તેનો એક પાયા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો. બૅન્થમ અને હૂકરની રૂપાંતરો સહિતની વર્ગીકરણ-પદ્ધતિ બ્રિટિશ કૉમનવેલ્થમાં સ્થાયી બની છે. ‘હૅન્ડ-બુક ઑવ્ બ્રિટિશ ફ્લોરા’-1858; સાતમી આવૃત્તિ, 1924ને બૅન્થમનું પ્રમાણિત કાર્ય ગણવામાં આવે છે.

બળદેવભાઈ પટેલ