બેન્દ્રે, દત્તાત્રય રામચંદ્ર

January, 2000

બેન્દ્રે, દત્તાત્રય રામચંદ્ર (જ. 1896, ધારવાડ, કર્ણાટક; અ. 1981) : કન્નડના અગ્રણી કવિ તથા સાહિત્યકાર. ઉત્કટ જ્ઞાનપિપાસા તેમને તેમના પૂર્વજો તરફથી વારસામાં મળી હતી. તેમના શિક્ષણનો પ્રારંભ પુણેમાં થયો અને 1918માં બી.એ. થયા પછી તેઓ ધારવાડ પરત આવી સ્થાનિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા અને સાથે સાહિત્યિક કારકિર્દીનો આરંભ કર્યો. તેમણે રચેલા સાહિત્ય-જૂથમાં વી. કે. ગોકાક, આર. એસ. મુગલી, મધુર ચેન્ના, કૃષ્ણ શર્મા બેટગેરી જેવા અનેક નામી સાહિત્યકારો આવતા.

શોલાપુરમાંથી કન્નડના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી તેઓ ફરી ધારવાડ આવ્યા. એક અગ્રણી અને નામાંકિત કવિ તરીકે તેમની ખ્યાતિ નિરંતર વધતી જતી હતી અને 1974માં સન્માનપાત્ર જ્ઞાનપીઠ ઍવૉર્ડ તેમને મળ્યો ત્યારે તેમની કવિ-પ્રતિભાનો દેશવ્યાપી સ્વીકાર થયો. નાટક, ટૂંકી વાર્તા તથા અંગત નિબંધ જેવાં અન્ય સાહિત્યસ્વરૂપોનું તેમણે એટલી જ સફળતાપૂર્વક ખેડાણ કર્યું છે. આ કૃતિઓ મહત્વની હોવા છતાં તેમની સર્જનાત્મક પ્રતિભાની આડપેદાશરૂપ છે. તેમના સમગ્ર અસ્તિત્વનો અર્થપૂર્ણ તથા ગાંભીર્યસભર આવિષ્કાર તો કેવળ કાવ્ય મારફત થયો છે.

તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ગરી’ (પીંછું) પ્રગટ થતાંની સાથે જ તેઓ પ્રકાશમાં આવી ચૂક્યા. તેમણે 27 જેટલી કૃતિઓ રચી છે, જેના પરિણામે કર્ણાટકમાં તેઓ મોખરાના કવિ તરીકેનું સ્થાન ભોગવે છે. તેઓ સુસંસ્કૃત કવિ હોવા સાથે અત્યંત લોકભોગ્ય પણ રહ્યા હતા. તેઓ કવિતાના માત્ર રચનાકાર ન હતા. તેના પ્રભાવક પ્રસ્તુતકર્તા પણ હતા. તેમની ઘણી કાવ્યરચનાઓમાં કંઠ્ય પરંપરાની ખૂબી તથા સુંદરતા આસ્વાદવા મળે છે; તેમણે બોલચાલની ભાષા તથા લોકજીવનનાં કલ્પનોનો સમુચિત ઉપયોગ કર્યો છે.

તેમની કવિતા વર્ણનાત્મક કે નાટ્ય-છટામય નથી; પણ તાત્વિક રીતે ઊર્મિપ્રધાન છે. તેમાં અત્યંત સરળ ગીતોનો સમાવેશ થાય છે. વળી તેમાં પ્રકૃતિપ્રેમ કે સૌંદર્યપ્રેમનું વસ્તુ પણ વણાયેલું જોવા મળે છે.

તેમની પેઢીના કવિઓ આદર્શવાદી હતા અને કવિતા ધ્યેયલક્ષી હોય એમ ર્દઢપણે માનતા હતા. બેન્દ્રેએ પણ સંનિષ્ઠ દેશદાઝ તથા સુધારાનો ઉત્સાહ દાખવતાં કાવ્યો લખ્યાં છે. ભારતવાસીઓના નૈતિક અધ:પતનને આલેખતી તેમની રચના ‘મુવટ્ટુ મુરુ કોટિ’ (તેત્રીસ કરોડ) અત્યંત લોકપ્રિય બની છે. તેમની કવિતામાં ગૂંથાયેલાં સૌંદર્યલક્ષી તથા નૈતિક મૂલ્યોએ કન્નડ કવિતાની પરંપરાને સુર્દઢ તેમજ ઊજળી બનાવી છે.

ચન્દ્રકાન્ત મહેતા

મહેશ ચોકસી