બેન્ટિન્ક, લૉર્ડ વિલિયમ

January, 2000

બેન્ટિન્ક, લૉર્ડ વિલિયમ (જ. 14 સપ્ટેમ્બર 1774, બલ્સ્ટ્રોડ, બકિંગહામશાયર, ઇંગ્લૅન્ડ; અ. 17 જૂન 1839, પૅરિસ) : બ્રિટિશ રાજ દરમિયાન 1828થી 1835 સુધી ભારતનો ગવર્નર જનરલ. તેણે 17 વર્ષની વયે લશ્કરમાં કમિશન મેળવ્યું અને 1794માં લેફ્ટેનન્ટ કર્નલ બન્યો.

લૉર્ડ વિલિયમ બેન્ટિન્ક

1803માં મદ્રાસ ઇલાકાના ગવર્નર તરીકે તેને નીમવામાં આવ્યો. તે દરમિયાન લશ્કરના દેશી સિપાઈઓને પારંપરિક પાઘડી પહેરવાની અને દાઢી રાખવાની મનાઈ કરવામાં આવી. તેના પરિણામે જુલાઈ 1806માં થયેલા વેલોરના બળવામાં બ્રિટિશ સૈનિકો અને અફસરો પર હિંસક હુમલા કરવામાં આવ્યા. બળવો કચડી નાખવામાં આવ્યો અને બેન્ટિન્કને બળવા માટે જવાબદાર ગણીને પાછો બોલાવી લેવામાં આવ્યો. ત્યારબાદ તેણે સિસિલી(ઇટાલી)માં લશ્કરની બ્રિગેડના સેનાપતિ તરીકે સેવા બજાવી. ત્યાંથી 1815માં પાછો ફર્યા બાદ તે આમની સભાના સભ્યપદે ચૂંટાયો. ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનાં સંસ્થાનોના ગવર્નર જનરલ તરીકે 1828માં તેને નીમવામાં આવ્યો. તે સમયે કંપની સરકારને વાર્ષિક પંદર લાખ પાઉન્ડની ખોટ થતી હતી. કંપનીને આર્થિક મુશ્કેલીમાંથી ઉગારવાની તેને સૂચના આપવામાં આવી હતી. તેણે ખર્ચમાં કરકસર કરી, લશ્કરના સિપાઈઓનાં ભથ્થાં ઘટાડ્યાં અને પ્રદેશો વિસ્તારવા માટેનાં યુદ્ધો ટાળ્યાં. તેણે ઘણા હોદ્દા નાબૂદ કર્યા અને અધિકારીઓના પગારો ઘટાડ્યા. તેણે અપીલની પ્રાંતિક અદાલતો અને ફરતી અદાલતો નાબૂદ કરી. ઘણી મહેસૂલ-મુક્ત જમીનો સરકારને માટે કબજામાં લઈ લેવામાં આવી. વાયવ્ય સરહદના પ્રાંતમાં જમીનોની માપણી અને તેમનું વર્ગીકરણ કરીને ત્રીસ વર્ષ માટેનું મહેસૂલ નક્કી કર્યું. તેણે સરકારી નોકરીમાં  ભારતીયોની નિમણૂક કરી; પણ તેમના પગારો અંગ્રેજો કરતાં ઘણા ઓછા રાખ્યા હતા. આ બધાં પગલાંથી કંપનીની ખોટ દૂર થઈ અને આશરે પંદર લાખ પાઉન્ડ જેટલી પુરાંત થઈ.

તેણે ન્યાયવિષયક અને વહીવટી સુધારા કર્યા. તેમાં ભારતીયોને ન્યાયાધીશના હોદ્દા પર નીમીને તેમના પગારો અને પ્રતિષ્ઠા વધારવામાં આવ્યાં. તેણે ઉચ્ચ અદાલતોમાં ફારસીને બદલે અંગ્રેજી ભાષાનો ઉપયોગ શરૂ કરાવ્યો. તેની કાઉન્સિલના કાયદાખાતાના સભ્ય લૉર્ડ મેકૉલેના સૂચન મુજબ અંગ્રેજી ભાષા અને પાશ્ર્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓને આર્થિક સહાય આપવાનું ઠરાવવામાં આવ્યું (1835). તેણે 1829માં સતી થવાનો અને દીકરીને દૂધ પીતી કરવાના રિવાજો ગેરકાયદે જાહેર કર્યા. નિર્દોષ પ્રવાસીઓને લૂંટીને તેમની હત્યા કરનારા ઠગ લોકોને તેણે કચડી નાખ્યા. જેરેમી બેન્થામ અને જેમ્સ સ્ટુઅર્ટ મિલ જેવા ઉપયોગિતાવાદી ચિંતકોને તે અનુસરતો હતો. તેના સુધારા ઉદારમતવાદી હતા. ભારતમાં રાજ્ય કરી ગયેલા સફળ ગવર્નર જનરલોમાંનો તે એક હતો. દેશી રાજ્યો સાથે તેણે તટસ્થતાની નીતિનો અમલ કર્યો હતો; તેમ છતાં તેણે કૂર્ગ રાજ્યને ખાલસા કર્યું હતું.

જયકુમાર ર. શુક્લ