બેન્ટલી, આર્થર ફિશર

January, 2000

બેન્ટલી, આર્થર ફિશર (જ. 16 ઑક્ટોબર 1870, ફ્રીપૉર્ટ, ઇલિનૉઇ; અ. 21 મે 1957) : જાણીતા અમેરિકન રાજ્યશાસ્ત્રી અને દર્શનશાસ્ત્રી. જ્ઞાનમીમાંસા, તર્કશાસ્ત્ર તેમજ ભાષાવિજ્ઞાન અને રાજ્યશાસ્ત્રના વર્તનલક્ષી પદ્ધતિશાસ્ત્રના વિકાસમાં તેમણે આપેલ પ્રદાનને કારણે તેમને ખ્યાતિ પ્રાપ્ત થઈ છે.

1892માં તેમણે બી.એ.ની ઉપાધિ મેળવી અને 1895માં જૉન હૉપકિન્સ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પ્રાપ્ત કરી હતી. 1896માં શિકાગો યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના અધ્યાપક બન્યા. ત્યારપછી તેમણે શિકાગોના ‘ટાઇમ્સ-હેરલ્ડ’ અને ‘રેકૉર્ડ હેરલ્ડ’માં રિપૉર્ટર તેમજ તંત્રી તરીકેની સેવા આપી હતી. તે પછી પોતાના ફલોદ્યાનનું સંચાલન કરવા માટે તેમજ લેખનકાર્ય માટે પાઓલી, ઇન્ડિયાનામાં વસવાટ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે તેમણે રેડક્રૉસમાં સક્રિય સેવા આપી હતી.

તેમનું ખૂબ જ નોંધપાત્ર પ્રકાશન ‘ધ પ્રોસેસ ઑવ્ ગવર્નમેન્ટ : અ સ્ટડી ઑવ્ સોશિયલ પ્રેશર’ 1908માં પ્રસિદ્ધ થયું હતું. આ ગ્રંથમાં તેમણે વર્તનલક્ષી સમાજવિદ્યાના સંશોધનની શાસ્ત્રીય કાર્યપદ્ધતિને વિકસાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે રાજકીય પ્રક્રિયાનો કાચો માલ ગણાતી પ્રગટ માનવપ્રવૃત્તિઓના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે સમૂહો, હિતો અને દબાણોના સંદર્ભમાં રાજકીય આધારસામગ્રીને ગોઠવી હતી. તે પછીના લખાણમાં તેમણે રાજકીય પ્રક્રિયામાં વ્યક્તિને તપાસના કેન્દ્રબિંદુ તરીકે ગણાવી હતી. બેન્ટલીને સૈદ્ધાંતિક વિશ્લેષણ કરતાં શાસ્ત્રીય કાર્યપદ્ધતિમાં વધારે રસ હતો. તેમણે જોયું કે માનવીય બાબતોની ખૂબ જ ગહન સમજ માટે આવિષ્કૃત વર્તન-વર્તાવનો અભ્યાસ કરવો તે વધારે ઉપયોગી છે. દાર્શનિક જૉન ડ્યુઈની સાથે રહીને તેમણે સામાજિક સ્પષ્ટીકરણના ‘વ્યાવહારિક ર્દષ્ટિબિંદુ’ને વિકસાવ્યું છે.

તેમનાં અન્ય નોંધપાત્ર પ્રકાશનો આ પ્રમાણે છે : 1. ‘રિલેટિવિટી ઇન મૅન ઍન્ડ સોસાયટી’ (1926), 2. ‘લિન્ગ્વિસ્ટિક ઍનાલિસિસ ઑવ્ મૅથેમૅટિક્સ’ (1932), 3. ‘બિહેવિયર, નૉલેજ, ફૅક્ટ’ (1935), 4. ‘નોઇંગ ઍન્ડ ધ નોન’ (1949). તેમણે અને જૉન ડ્યુઈએ સાથે રહી ‘ઇન્ક્વાઇરી ઇન્ટુ ઇન્ક્વાયરર્સ : એસેઝ ઇન સોશિયલ થિયરી’ (1954) –એ પુસ્તક પણ આપ્યું છે.

હસમુખ પંડ્યા