બેનેશ, રૂડૉલ્ફ (જ. 1916, લંડન; અ. 1975) તથા બેનેશ જોન (જ. 1920; લિવરપૂલ, ઇંગ્લૅન્ડ) : નૃત્યને લિપિબદ્ધ કરનાર (notator) જાણીતું આંગ્લ યુગલ. રૂડૉલ્ફ ચિત્રકાર હતા અને જોન સૅડલર વેલ્સના બૅલે જૂથનાં અગાઉ સભ્ય હતાં.
બંનેએ સાથે મળીને નૃત્યકળાની લિપિબદ્ધતા(notation)ની પદ્ધતિ અંગે 1955માં કૉપીરાઇટ મેળવી લીધા. આ પદ્ધતિને તેમણે કોરિયોલોજી એટલે કે નૃત્યનિયોજનશાસ્ત્ર તરીકે ઓળખાવી. લંડનની રૉયલ એકૅડેમી ઑવ્ ડાન્સિંગ તરફથી આ વિષયને અભ્યાસમાં સ્વીકૃતિ આપવામાં આવી. રૉયલ બૅલેના તમામ નૃત્યનિર્માણમાં એ પદ્ધતિનો ઉપયોગ થતો રહ્યો છે. પછી 1962માં તેમણે પોતાની જ સંસ્થા સ્થાપી. નૃત્યનિયોજનની લિપિબદ્ધતાના ક્ષેત્રે આ યુગલ ખૂબ પ્રભાવક પરિબળ બની રહ્યું છે.
મહેશ ચોકસી