બેનેશ, ડૉ. એડવર્ડ (જ. 28 મે 1884, કોઝલાની; અ. 3 સપ્ટેમ્બર 1948, સેઝિમોવો ઉસ્તી) : ચેકોસ્લોવાકિયાના અગ્રણી રાજદ્વારી. માતાપિતા ગરીબ ગ્રામવાસી ખેડૂત. તેમણે પ્રાગ વિશ્વવિદ્યાલયની તત્વજ્ઞાન વિદ્યાશાખામાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું, જ્યાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ફી સંપૂર્ણ માફ હતી. તેમણે તેમનો વધુ અભ્યાસ પૅરિસમાં સૉરબૉન અને એકોલ દ સાયન્સ પૉલિટિક ખાતે કર્યો હતો. ત્યારપછી ડિજોનથી કાયદાની ડૉક્ટરેટ પદવી મેળવીને 1908માં સ્નાતક થયા. 1909માં પ્રાગની વાણિજ્ય-વિદ્યાશાખામાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક થઈ. તેઓ 1912માં પ્રાગ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્રના  વ્યાખ્યાતા અને 1922માં પ્રાધ્યાપક બન્યા.

પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) ફાટી નીકળ્યું ત્યારે તેઓ માત્ર 30 વર્ષના હોવા છતાં ચેકોસ્લોવાક રાષ્ટ્રવાદી ચળવળના અગ્રણી નેતાઓમાં તેમની ગણના થતી હતી. પ્રથમ વિશ્વયુદ્ધને કારણે નરમ પડી ગયેલ રાષ્ટ્રવાદી મતપ્રચારના કાર્યમાં ટૉમસ મેસરિકના તેઓ ખાસ સહાયક બન્યા. 1915માં તેઓ એક પત્રકાર અને રાજદ્વારી તરીકે હેબ્સબર્ગના જોડાણમાંથી ચેકોસ્લોવાકિયાને સ્વતંત્ર કરવાના સંદર્ભમાં પૅરિસ ગયા. ત્યાં તેમણે ‘ચેકોસ્લોવાક રાષ્ટ્રીય પરિષદ’ની સ્થાપના કરવામાં મેસરિક અને જનરલ સેફનિકની સાથે સહકારપૂર્વક કાર્ય કર્યું. તે જ વર્ષે તેઓ રાષ્ટ્રીય ચળવળની વહીવટી પાંખ ‘ચેકોસ્લોવાક રાષ્ટ્રીય પરિષદ’ના મહામંત્રી બન્યા. આ સંસ્થાને 1918માં ચેકોસ્લોવાકિયાની કામચલાઉ સરકાર તરીકે સંધિ કરનાર પક્ષો તરફથી માન્યતા મળી હતી.

ડૉ. ઍડવર્ડ બેનેશ

બેનેશ નવરચિત સરકારમાં વિદેશપ્રધાન બન્યા અને 1921–22 દરમિયાન તેમણે પોતે સરકારની રચના પણ કરી. તે પૂર્વે 1919–20 દરમિયાન તેઓ પૅરિસ શાંતિ પરિષદમાં ચેકોસ્લોવાક પ્રતિનિધિમંડળના અધ્યક્ષ હતા, અને શાંતિકરાર પર તેમણે સહી પણ કરી હતી. 1920માં ‘રાષ્ટ્રસંઘ’(League of Nations)માં ચેકોસ્લોવાકિયાના પ્રતિનિધિ તરીકે તેમની નિમણૂક થઈ હતી. 1923માં સંઘ પરિષદ(League Coucil)ના તેઓ સભ્ય ચૂંટાયા હતા. તે માટે તેમની 1925માં પુન: ચૂંટણી થઈ હતી. 1920ના ઑગસ્ટ માસમાં સ્થપાયેલ ‘નાના રાજ્યસંઘ’(Little Entente)ના તેઓ સહસ્થાપક હતા. 1924ની જિનીવા સંધિના મૂળલેખના તેઓ સહલેખક અને ચુસ્ત સમર્થક હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી અનેક રાજદ્વારી પરિષદોમાં તેમણે ચેકોસ્લોવાકિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પોતાના રાષ્ટ્ર વતી તેમણે ઑક્ટોબર 1925માં લોકાર્નો કરાર અંગે પહેલ કરી અને 1 ડિસેમ્બર 1925ના રોજ લંડનમાં તેના ઉપર દસ્તખત કર્યા.

પશ્ચિમ યુરોપમાં, ખાસ કરીને ગ્રેટબ્રિટનમાં, રાજનીતિના અભ્યાસુઓ વચ્ચેના વિવાદોને કારણે યુદ્ધ પછીનાં વર્ષોમાં બેનેશનું વ્યક્તિત્વ વિશિષ્ટ બની રહ્યું. 1920–1924 વચ્ચે સર્જાયેલી અનેક ફ્રાન્કો-બ્રિટિશ રાજદ્વારી કટોકટીના પ્રસંગોએ, ખાસ કરીને જિનીવા પરિષદ અને જિનીવા સંધિ દ્વારા સર્જાયેલી કટોકટીમાં, તેમનો ઝુકાવ પૅરિસ-તરફી વધુ રહ્યો. તે ભૂમિકાને આધારે બ્રિટનના ડાબેરી વિચાર ધરાવનારાઓએ તેમની ટીકા કરી. તેમણે પૅરિસ અને લંડન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી, જેની અન્યોએ ટીકા કરી હતી. તેઓ ફ્રાન્કો-બ્રિટિશ રાજ્યમૈત્રીના ફળસ્વરૂપ ચેકોસ્લાવાકિયાની રાજકીય સ્વતંત્રતા ઇચ્છતા હતા અને તેથી આ રાજ્યમૈત્રી સતત જળવાઈ રહે તે માટે ચિંતાતુર હતા. ફ્રાન્કો-બ્રિટિશ રાજદ્વારી સંઘર્ષ ચેકોસ્લોવાકિયાની સુરક્ષાનાં નિશ્ચિત હિતો અને યુરોપિયન સ્થિરતાનાં સામાન્ય હિતો માટે તેમની ચિંતાનું કારણ બન્યો.

નાનાં પ્રાદેશિક રાજ્યોના સંઘની પદ્ધતિ અમલમાં મૂકીને તેમજ સર્વસાધારણ યુરોપિયન સ્થિરતા સ્થાપીને ચેકોસ્લોવાકિયાને આર્થિક અને રાજકીય ક્ષેત્રે મજબૂત બનાવવાનો તેમનો હેતુ હતો. તેમણે સોવિયેત સંઘ પ્રત્યે સૌથી વધુ પ્રગતિશીલ નીતિ અપનાવી અને તે દેશ સાથે વેપાર ફરી શરૂ કરનાર ચેકોસ્લોવાકિયા યુરોપનો સૌપ્રથમ દેશ બન્યો. યુરોપમાં મોટાભાગનાં નાનાં રાષ્ટ્રોના દરેક રાજનીતિજ્ઞની સાથે બેનેશ પણ આંતરરાષ્ટ્રીય કાયદામાં સર્વગ્રાહી ફરજિયાત લવાદીના સિદ્ધાંતને સમાવવા ઇચ્છતા હતા. તેમણે 1924ની જિનીવા સંધિનો બચાવ કર્યો. તેમના મતે આ સંધિ નાનાં રાજ્યોનાં હિતોનું રક્ષણ કરનારી અને યુરોપનાં હિતો માટે સર્વોત્તમ હતી.

1925માં લોકાર્નો પરિષદના અંત પછી તેમણે જિનીવા સંધિના સિદ્ધાંતોના સમર્થનમાં જાહેરમાં મત વ્યક્ત કરવાનું બંધ કર્યું અને જ્યારે લોકાર્નો સંધિ થઈ ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ આ સંધિને જિનીવા સંધિના એક ભાગરૂપ હોવાનું માન આપે છે.

મેસરિક સેવાનિવૃત્ત થયા ત્યારે બેનેશ ડિસેમ્બર 1935માં પ્રમુખ તરીકે ચૂંટાયા. તેમનો મોટા ભાગનો સમય Sudeten German લઘુમતીની સ્વ-શાસન માટેની માંગણીઓનો સામનો કરવામાં જ પસાર થયો. આ માંગણીઓને તુરત જ ઍડૉલ્ફ હિટલર દ્વારા સમર્થન મળ્યું અને તેમણે sudeten વિસ્તારને સંપૂર્ણપણે જર્મનીમાં ભેળવી દેવાની માંગણી રજૂ કરી. જ્યારે ફ્રાન્સ અને બ્રિટન મ્યૂનિક કરાર પર સહી કરીને હિટલરને તાબે થયા ત્યારે ઑક્ટોબર 1938ના રોજ બેનેશે રાજીનામું આપ્યું અને ત્યારબાદ તેઓ મુલાકાતી પ્રાધ્યાપક તરીકે શિકાગો વિશ્વવિદ્યાલય ગયા. દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–45) ફાટી નીકળ્યા પછી તેઓ ફ્રાન્સ અને પછીથી લંડન ગયા, જ્યાં રહીને તેમણે ચેક સરકારનું માર્ગદર્શન કર્યું. મે 1945માં પ્રાગ સ્વતંત્ર થયું અને થોડાક જ દિવસ પછી બેનેશ ત્યાં જ્યારે પાછા ફર્યા ત્યારે તેમને ઉમળકાભર્યો આવકાર મળ્યો. તેઓ પુન: પ્રમુખ ચૂંટાયા અને તેમણે સામ્યવાદીઓ અને બિન-સામ્યવાદીઓની સંયુક્ત સરકારની રચના કરી. ફેબ્રુઆરી 1948માં સામ્યવાદી વડાપ્રધાન ક્લેમેન્ટ ગોટવાલ્ડે સામ્યવાદીઓના વર્ચસ્વાળું પ્રધાનમંડળ રચવાની માંગણી કરી. આ માંગણી સમક્ષ તાબે થયા સિવાય બેનેશ પાસે અન્ય કોઈ વિકલ્પ ન હતો. જૂન, 1948માં તેમણે પ્રમુખપદેથી રાજીનામું આપ્યું.

કમલેશ વાસુદેવ પંડ્યા