બેનેડિક્ટ ઑવ્ નર્સિયા (સેંટ) (જ. 480, નર્સિયા, લોમ્બાડર્ઝનું રાજ્ય, ઇટાલી; અ. 547, ફીસ્ટ ડે 21 માર્ચ અને 11 જુલાઈ) : મોન્ટી કેસિનોમાં બેનેડિક્ટાઇન મઠના સ્થાપક અને પાશ્ર્ચાત્ય મઠપદ્ધતિના પિતા. તેમણે ઘડેલા નિયમો સમગ્ર યુરોપમાં મઠમાં વસવાટ વાસ્તેના માન્ય (અધિકૃત) નિયમો બન્યા. ઈ. સ. 1964માં પોપ પૉલ 6ઠ્ઠાએ બેનેડિક્ટાઇન નિયમોને અનુસરતા સાધુઓનાં કાર્યોને ધ્યાનમાં લઈને સમગ્ર યુરોપમાં તેમને ‘સેન્ટ’ જાહેર કર્યા.
બેનેડિક્ટ ઑવ્ નર્સિયા (સેંટ)
પોપ સેન્ટ ગ્રેગરીએ લખેલ ‘ડાયલૉગ’માંથી તેમના જીવનની માહિતી મળે છે. તેમના જણાવવા મુજબ બેનેડિક્ટે રોમમાં અભ્યાસ કર્યો હતો. આશરે 20 વર્ષની વયે એકલવાયું ધાર્મિક જીવન જીવવા મધ્ય ઇટાલીમાં સુબિઆકો પાસેની ગુફામાં ગયા. તેમની ધાર્મિકતાથી ઘણા યુવકો આકર્ષાયા. તેમણે તેઓને ક્રમશ: 12 મઠોમાં રાખ્યા. આશરે 525માં બેનેડિક્ટ સુબિઆકો છોડીને, કેટલાક અનુયાયીઓ સાથે મોન્ટી કેસિનો ગયા. ત્યાં તેમણે એક મોટો મઠ સ્થાપ્યો અને તેના નિયમો ઘડ્યા. તેમનો વાર્ષિક મિજબાનીનો ઉત્સવ પહેલાં 21મી માર્ચે ઉજવાતો અને તે પછી હાલ 11 જુલાઈએ ઊજવાય છે.
જયકુમાર ર. શુક્લ