બેનેટ, રિચાર્ડ રૉડની (સર)

January, 2000

બેનેટ, રિચાર્ડ રૉડની (સર) (જ. 1936, કેન્ટ, ઇંગ્લૅન્ડ) : નિષ્ણાત સંગીત-રચનાકાર. તેમણે લંડનની રૉયલ એકૅડેમી ઑવ્ મ્યુઝિક ખાતે તેમજ પૅરિસમાં પિયર બુલેઝના હાથ નીચે સંગીતનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો. ખાસ કરીને તેઓ તેમના ફિલ્મસંગીત માટે જાણીતા છે. ઑપેરા, ઑરકેસ્ટ્રા-સંગીત, ચેમ્બર મ્યુઝિક તેમજ એક અને બે પિયાનો માટેનું પ્રયોગાત્મક સંગીત – એમ વિવિધ પ્રકારની તેમની રચનાઓ ખૂબ મહત્વની છે. તેમની કેટલીક રચનાઓમાં 12-ટોનના સપ્તક(scale)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જાઝ સંગીતમાં રસ પડવાને પરિણામે ‘જાઝ કૅલેન્ડર’ (1963) અને ‘પૅસ્ટૉરલ’ (1969) જેવી રચનાઓ નિર્માણ પામી. તેમની છેલ્લી રચનાઓમાં આંતરિક લયબદ્ધતાની સૂર-બાંધણી તરફ વિશેષ ઝોક છે. તેમની ઉલ્લેખનીય રચનાઓમાં સૅડલર્સ વેલ્સ પ્રાયોજિત ‘ધ માઇન્સ ઑવ્ સલ્ફર’ (1965) અને ‘એ પેની ફૉર એ સાગ’ (1968) નામક બે ઑપેરા તેમજ કૉવેન્ટ ગાર્ડન પ્રાયોજિત ‘વિક્ટરી’ (1970) ઉપરાંત ‘સ્પેલ્સ’ નામની કોરલ રચનાનો સમાવેશ થાય છે (1975). 1995માં તેઓ ‘રૉયલ એકૅડેમી ઑવ્ મ્યુઝિક’ ખાતે સંગીતરચનાના પ્રોફેસર નિમાયા.

1998માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો.

મહેશ ચોકસી