બેકેટ, સેંટ ટૉમસ (જ. 21 ડિસેમ્બર 1118, લંડન; અ. 29 ડિસેમ્બર 1170, કૅન્ટરબરી, કૅન્ટ, ઇંગ્લૅન્ડ) : ખ્રિસ્તી ધર્મના શહીદ. રોમન કૅથલિક પંથના સંત તરીકે પ્રતિષ્ઠા (1173). ચાન્સેલર ઑવ્ ઇંગ્લૅન્ડ (1155–62) અને આર્ચબિશપ ઑવ્ કૅન્ટરબરી (1162–70). રાજા હેન્રી બીજા સાથે વૈમનસ્ય થતાં કૅન્ટરબરીના દેવળમાં જ તેમની નિર્મમ હત્યા. નૉર્મન વંશના ‘લિટર બીક’ના નામથી પ્રખ્યાત ગિલબર્ટ બેકેટ નામના શ્રીમંત વેપારીના તેઓ પુત્ર. શિક્ષણ સરેમાં આવેલ સુવિખ્યાત પ્રાયોરી શાળામાં. પાછળથી સિટી ઑવ્ લંડન શાળામાં અને પૅરિસમાં. ધર્મનિષ્ઠ માતાનું અવસાન 1139માં થયું. શેરિફને ત્યાં હિસાબનીશ-કારકુન. પિતાએ બેકના પાદરી(abbot of Bec)ને ત્યાં મૂક્યા. ધર્મક્ષેત્રે નામાંકિત વ્યક્તિઓના સંસર્ગમાં. બૉલોના અને ઑક્ષીરમાં નાગરિક અને ધાર્મિક કાયદાનો અભ્યાસ. પોપની મુલાકાતે આર્ચબિશપ જતા ત્યારે ટૉમસને સાથે લઈ જતા.

1154માં ટૉમસ ‘કૅન્ટરબરીના આર્કડેકન’ બન્યા. રાજા હેન્રીએ પણ તેમને પોતાના ‘ચાન્સેલર’ તરીકે નિમણૂક આપી. મહેલોના બાંધકામ, ટાવર ઑવ્ લંડનનું સમારકામ, એલચીમંડળોની આગતાસ્વાગતા અને યુદ્ધસમયે સૈનિકોની ભરતી કરવી જેવાં કામોમાં તેઓ મુખ્ય વહીવટકર્તા. રાજાના અત્યંત વિશ્વાસુ સાથીઓ પૈકીના તેઓ એક. પૅરિસમાં એલચી તરીકે ગયા ત્યારે સમૃદ્ધિનું ગજબનાક પ્રદર્શન કર્યું હતું. જોકે ધાર્મિક નેતા તરીકે આ પ્રકારનું વૈભવી જીવન તેમને શોભતું ન હતું. એટલે તો પ્રજાના મનમાં તેમની ઓળખ ‘રાજાના માણસ’ તરીકેની હતી.

કૅન્ટરબરીના આર્ચબિશપ તરીકે નિમણૂક થતાં બેકેટનું સમસ્ત ધ્યાન હવે પોપના આદેશો અને ધાર્મિક બાબતો પ્રત્યે સવિશેષ રહેવા લાગ્યું. પરિણામે રાજા સાથેના વ્યવહારમાં બંને વચ્ચે અંતર વધતું ગયું. 1163માં બેકેટે રાજા દ્વારા સંમતિ પામેલ કરવેરાની દરખાસ્તને અનુમોદન આપ્યું નહિ. વળી પોપના ફરમાન મુજબ પાદરીઓ અને એમની સંસ્થાઓ સાથે સંકળાયેલા હોદ્દેદારો માટે ખાસ ધાર્મિક કૉર્ટમાં જ કેસ ચલાવાતો અને તે બધાને જે તે ગુના માટે સામાન્ય સજા (કદાપિ મૃત્યુદંડ નહિ) આપવામાં આવતી હતી. આ માટે રાજાના દૈવી હકની રૂએ રાજા પોતે સર્વોપરી છે એમ હેન્રીનું માનવું હતું. આમ રાજા અને પોપની સત્તા વચ્ચે મોટો વિખવાદ થયો. પરિણામે હેન્રી અને બેકેટના સારા સંબંધોનો અંત આવ્યો. બેકેટ ફ્રાન્સના રાજા લુઈ સાતમાના શરણે ગયા. તેમણે છ વર્ષ સુધી સ્વેચ્છાએ દેશવટો ભોગવ્યો (2 નવેમ્બર 1164થી 2 ડિસેમ્બર 1170). કેટલાંક સ્નેહી અને સંબંધીઓ તેમની સાથે જોડાયાં. રાજા હેન્રીએ તેમની મિલકતો જપ્ત કરી અને કેટલાંકને દેશનિકાલ પણ કર્યાં.

જોકે નામદાર પોપના દબાણથી હેન્રી અને બેકેટને સુલેહ કરવાની ફરજ પડી. ઇંગ્લૅન્ડ પરત થયા બાદ ટૉમસે રાજાના કેટલાક બિશપ અને ઉમરાવોને સંઘની બહાર કાઢી મૂક્યા. વળી પાછા હેન્રી આ ‘હલકા કુળના કારકુન’ ઉપર ખફા થયા. રાજાના કહેવાથી ચાર વ્યક્તિઓ ફ્રાન્સમાંથી કૅન્ટરબરી આવી અને આર્ચબિશપ ટૉમસનું તેમના નિવાસસ્થાન એવા દેવળમાં ખૂન કર્યું. ટૉમસ બેકેટ શહીદ થયા. આ પછી તેમની કબર પર કેટલાક ચમત્કારો થયાની વાતો વહેતી થઈ. ફેબ્રુઆરી 1173માં તેમને સંતોની શ્રેણીમાં દાખલ કરવામાં આવ્યા. છેક યુરોપના દેશોમાંથી યાત્રાળુઓ હવે કૅન્ટરબરી આવવા લાગ્યા. જોકે ધર્મસુધારણા(Reformation)ના યુગમાં બેકેટની કબરનો સર્વથા નાશ કરવામાં આવ્યો હતો. ત્યાંનો ખજાનો હેન્રી આઠમાએ જપ્ત કર્યો હતો. ટૉમસનાં અસ્થિઓને બાળી મૂક્યાં હતાં અને કૅન્ટરબરીની યાત્રા પર પ્રતિબંધ મુકાયો હતો. વળી ધર્મની જે તે પોથીઓમાંથી તેમનું નામ પણ રદ કરવામાં આવ્યું હતું. એ ઘડીથી ટૉમસ કૅથલિક પંથ માટે સંત અને પ્રૉટેસ્ટન્ટ માટે ધર્મદ્રોહી બન્યા.

જોકે હેન્રી આઠમાએ પાદરીઓને મળતા લાભ ઉપર કોઈ પ્રતિબંધ મૂક્યો નહિ. છેવટે પોપ અને રાજા વચ્ચે સમાધાન થયું. મોટાભાગના અંગ્રેજ રીતરિવાજો પોપે કબૂલ રાખ્યા અને હેન્રીએ ધર્મની અંતર્ગત જે કાયદાઓ હતા તેમને અને તે માટેની ખાસ કૉર્ટોને માન્ય રાખ્યાં.

અંગ્રેજ કવિ ચૉસરે તેમના ‘કૅન્ટરબરી ટેલ્સ’ના ‘પ્રોલૉગ’માં બેકેટનો ઉલ્લેખ ‘સ્વર્ગીય સુખ ભોગવતા શહીદ’ (blissful martyr) તરીકે કર્યો છે. ટી. એસ. એલિયટે એમના જીવન ઉપરથી ‘મર્ડર ઇન ધ કથીડ્રલ’ નામનું પદ્યનાટક પણ રચ્યું છે.

મહેશ ચોકસી

વિ. પ્ર. ત્રિવેદી