બેકી : ઓરિસા મંદિરશૈલીમાં શિખર ઉપરનો કંઠનો નળાકાર પથ્થર. ઓરિસાના રેખા-દેઉલના શિખર પર આમલકનો વર્તુળાકાર પથ્થર બેસાડવા માટે આ પથ્થર વપરાય છે. આ પથ્થરના પ્રયોગથી શિખરનું ઊર્ધ્વ દર્શન અત્યંત પ્રભાવશાળી બને છે. ભુવનેશ્વરના લિંગરાજ મંદિર અને પુરીના જગન્નાથ મંદિરમાં 38થી 46 મીટર ઊંચાઈએ 9 મીટર જેટલો વ્યાસ ધરાવતા વિશાળ આમલકને બેકી પર બેસાડવાની અદભુત રચનાને લઈને શિખરનો સમગ્ર દેખાવ પ્રભાવશાળી બન્યો છે.
રવીન્દ્ર વસાવડા