બેકારી : વ્યક્તિ પાસે કામ કરવાની શક્તિ હોય અને કામ કરવાની ઇચ્છા હોય, પરંતુ તેને પ્રવર્તમાન વેતનના દર પ્રમાણે કામ ન મળતું હોય ત્યારે તે વ્યક્તિ બેકાર છે તેમ કહેવાય. જ્યારે કોઈ પણ વ્યક્તિ બેકાર હોય ત્યારે આ બેકારી તેના માટે એક ગંભીર વ્યક્તિગત પ્રશ્ન ગણાય, પરંતુ આવા થોડાઘણા લોકો જે દેશમાં બેકાર હોય તે દેશમાં બેકારીની સમસ્યા છે તેવું ન કહી શકાય. બેકારી એક રાષ્ટ્રીય સમસ્યા ત્યારે જ બને કે જ્યારે દેશના કુલ શ્રમિકોમાંથી 3 % કે તેથી વધુ શ્રમિકો બેકાર હોય. આમ વ્યક્તિગત કક્ષાએ બેકારી અને રાષ્ટ્રીય કક્ષાએ બેકારી એ બંને અલગ અલગ બાબતો છે.

બેકારીના કેટલાક પ્રકારો નોંધપાત્ર છે : (1) ખુલ્લી બેકારી : વ્યક્તિની કામ કરવાની શક્તિ અને વૃત્તિ હોવા છતાં કામ ન મળે ત્યારે તેને ખુલ્લી બેકારી કહેવાય.

(2) પ્રચ્છન્ન બેકારી (છૂપી બેકારી) : આ પ્રકારની બેકારીમાં વ્યક્તિ બેકાર છે તે ખુલ્લી રીતે જોઈ શકાતું નથી. ઉપરછલ્લી ર્દષ્ટિએ જોતાં એમ લાગે કે અમુક વ્યક્તિ કામ કરી રહી છે, તેથી તેને બેકાર ન કહી શકાય; પરંતુ ઊંડાણપૂર્વક તપાસતાં આવી વ્યક્તિ ખરેખર બેકાર હોય છે. આવી વ્યક્તિને કામ ઉપરથી પાછી ખેંચી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં ઘટાડો થતો નથી. દા.ત., એક ખેતર ઉપર ખેતી કરવા માટે પાંચ માણસોની જરૂર છે; પરંતુ ઘરમાં સાત માણસો કામ કરી શકે તેવાં હોવાથી આ સાતેય માણસો ખેતર ઉપર કામ કરવા જાય છે. અહીં ઉપરછલ્લી ર્દષ્ટિએ એમ લાગે કે સાતમાંથી એક પણ માણસ બેકાર નથી, પરંતુ ખરેખર આ ખેતર ઉપર પાંચ જ માણસોની જરૂર છે. બે માણસો વધારાના છે, જેમને કામ ઉપરથી ખસેડી લેવામાં આવે તો પણ ઉત્પાદન ઘટવાનું હોતું નથી. આ બે માણસો પ્રચ્છન્ન બેકાર ગણાય. અર્થશાસ્ત્રની પરિભાષામાં જે વ્યક્તિની સીમાન્ત ઉત્પાદનશક્તિ શૂન્ય હોય તે વ્યક્તિ પ્રચ્છન્ન બેકાર ગણાય.

(3) અર્ધબેકારી : જે વ્યક્તિને પૂરા સમયનું કામ ન મળતું હોય અથવા તો વ્યક્તિની પાસે કામ કરવાની જે સંભવિત શક્તિ હોય તેનો પૂરેપૂરો ઉપયોગ થાય તેવું કામ ન મળતું હોય ત્યારે તેને અર્ધબેકારી કહેવાય.

(4) મોસમી બેકારી : કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ અમુક મોસમ પૂરતી મર્યાદિત હોય છે. એ મોસમી પ્રવૃત્તિ પૂરી થઈ જાય ત્યારબાદ તેને એવી બીજી મોસમ સુધી બીજું કોઈ કામ ન મળે તો તેની એ બેકારીને મોસમી બેકારી કહેવાય; દા.ત., ભારતમાં ચોમાસાની મોસમમાં ખેતીની પ્રવૃત્તિ પુરજોશમાં ચાલતી હોય છે તેથી ઘણાબધા લોકોને ખેતીમાં રોજગારી મળી જાય છે; પરંતુ ચોમાસાની મોસમ પૂરી થાય ત્યારબાદ ખેતીની પ્રવૃત્તિ મંદ પડી જાય છે અને તેને લીધે કેટલાક મજૂરો બેકાર બને છે. આવી બેકારીને મોસમી બેકારી કહેવાય.

(5) શિક્ષિતોની બેકારી : ભારતમાં એસ.એસ.સી. કે તેથી વધુ શિક્ષણ પામેલી વ્યક્તિ ઉત્પાદક કામ મેળવી ન શકે તો તેને શિક્ષિત બેકાર કહેવાય છે.

(6) ચક્રીય બેકારી : દરેક મુક્ત અર્થતંત્રમાં તેજી અને મંદીનાં ચક્રો જોવા મળે છે. આવા વેપારચક્રના એક ભાગ રૂપે જ્યારે દેશમાં મંદી આવે ત્યારે ભાવસપાટી, નફો, મૂડીરોકાણ તથા ઉત્પાદન ઘટે અને છેવટે કેટલાક શ્રમિકોને છૂટા કરવા પડે. આ રીતે ઊભી  થતી બેકારીને ચક્રીય બેકારી કહેવાય. જોકે આવી બેકારી અમુક સમય પૂરતી મર્યાદિત હોય છે, કારણ કે જ્યારે મંદી પૂરી થાય અને તેજી શરૂ થાય ત્યારે ફરીથી નોકરીની નવી તકો સર્જાતી હોય છે અને ત્યારે એવી બેકારી દૂર થઈ જાય છે.

(7) માળખાકીય બેકારી : અર્થતંત્રના માળખામાં રહેલી કેટલીક મૂળભૂત ખામીઓ કે મર્યાદાઓને કારણે જે બેકારી સર્જાય તેને માળખાકીય બેકારી કહેવાય; દા.ત., અલ્પવિકસિત દેશોનું માળખું જ એવા પ્રકારનું હોય છે કે તેમાં અમુક બેકારી રહેવાની જ.

બેકારી નિવારવા માટે જે ઉપાયો યોજવા પડે તેનું સ્વરૂપ વિકસિત દેશોમાં અને અલ્પવિકસિત દેશોમાં અલગ અલગ પ્રકારનું હોય છે. વિકસિત દેશોમાં મુખ્યત્વે અસરકારક માંગને અભાવે બેકારી સર્જાતી હોય છે. આથી આવા દેશોની બેકારીનો ઉપાય એ છે કે કોઈ પણ હિસાબે માંગ વધારવી. માંગ વધે તો તેને પહોંચી વળવા ઉત્પાદન વધારવું પડે અને ઉત્પાદન વધે તો છેવટે રોજગારીની તકો વધે અને બેકારી દૂર થાય. અલ્પવિકસિત દેશોમાં જે બેકારી હોય છે તેને નિવારવા માટે અલગ પ્રકારના ઉપાયો યોજવા પડે.

ભારતમાં બેકારી એ એક ગંભીર સમસ્યા છે. બેકારીનું આર્થિક પાસું તો ચિંતાજનક છે જ, કારણ કે બેકાર માનવી કામ કરવાની પોતાની ઇચ્છા અને શક્તિ હોવા છતાં ઉત્પાદનમાં પોતાનો ફાળો આપી શકતો નથી અને તેટલા અંશે દેશમાં ઉત્પાદનની સપાટી નીચી રહે છે. આમ બેકારી આર્થિક ર્દષ્ટિએ તો નુકસાનકારક છે જ, પરંતુ તેનાં જે સામાજિક, રાજકીય અને નૈતિક પરિણામો આવે છે તે પણ તેટલાં જ ગંભીર હોય છે.

ભારતમાં બેકારીનું પ્રમાણ કેટલું છે તેનો ચોક્કસ અંદાજ માંડવો મુશ્કેલ છે, કારણ કે બેકારી માપવાની ત્રણ અલગ અલગ પદ્ધતિઓ પ્રમાણે બેકારીનો અંદાજ તૈયાર કરવામાં આવે છે :

(અ) સામાન્ય ધોરણે બેકારી : આ પદ્ધતિમાં બેકારી માપવા માટે જે મોજણી કરવામાં આવે છે તેમાં એવું જાણવાનો પ્રયત્ન થાય છે કે વ્યક્તિ નોકરી કરે છે કે બેકાર છે. મોજણી થતી હોય તે પહેલાંના એક વર્ષ દરમિયાન જો તે બેકાર હોય તો તેનો સમાવેશ બેકાર વ્યક્તિઓની યાદીમાં કરવામાં આવે છે.

(બ) સાપ્તાહિક ધોરણે બેકારી : જે વ્યક્તિની પૂછપરછ કરવામાં આવે તે વ્યક્તિને પૂછપરછ પહેલાંના એક અઠવાડિયા દરમિયાન એક કે વધુ દિવસ માટે એક કલાકનું પણ કામ ન મળ્યું હોય તો તેને બેકાર ગણવામાં આવે છે.

(ક) દૈનિક ધોરણે બેકારી : આ પદ્ધતિમાં વ્યક્તિને અગાઉના સપ્તાહના પ્રત્યેક દિવસે કેટલું કામ મળેલું તેની પૂછપરછ કરવામાં આવે છે અને તેને આધારે બેકારી નક્કી કરવામાં આવે છે.

ભારતમાં બેકારી અંગેના કેટલાક આંકડા નીચેની અનુસૂચિમાં આપવામાં આવ્યા છે :

ભારતમાં જાતિ, રહેઠાણ તથા બેકારી માપવાની પદ્ધતિ મુજબ બેકારીનું ટકાવારી પ્રમાણ

સામાન્ય ધોરણે બેકારી દૈનિક ધોરણે બેકારી
પુરુષો સ્ત્રીઓ કુલ પુરુષો સ્ત્રીઓ કુલ
ગ્રામ વિસ્તારની બેકારી
1983 1.41 0.66 1.13 7.52 8.98 7.90
1987–88 1.81 2.27 1.98 4.58 6.91 5.20
1993–94 1.43 0.79 1.20 5.64 5.55 5.60
શહેરી વિસ્તારની બેકારી
1983 5.08 4.85 5.02 9.23 10.99 9.50
1987–88 5.16 5.93 5.32 8.79 12.00 9.30
1993–94 4.05 6.24 4.52 6.72 10.52 7.40
કુલ બેકારી
1983 2.28 1.16 1.90 7.93 9.23 8.20
1987–88 2.56 2.72 2.62 5.54 7.61 6.00
1993–94 2.07 1.54 1.90 5.91 6.33 6.00

ભારતમાં (1951થી) આયોજનની શરૂઆત થઈ ત્યારથી જ બેકારી નિવારવા માટે સરકારે કેટલાંક પગલાં ભર્યાં છે. જોકે આ બધા જ ઉપાયો યોજવા છતાં ભારતનાં જુદાં જુદાં રોજગાર વિનિમય કેન્દ્રોમાં નોંધાયેલા બેકારોની કુલ સંખ્યા 1994–95માં 366.91 લાખ જેટલી હતી. સરકારે લીધેલાં પગલાંમાં આ પગલાંનો સમાવેશ થાય છે : આર્થિક વિકાસની ગતિ ઝડપી બનાવવાના પ્રયાસો, શ્રમ-પ્રધાન ઉત્પાદન-પદ્ધતિ ઉપર વધુ ભાર આપવો, વસ્તીવધારાની ગતિ ધીમી પાડવી, વ્યવસાયલક્ષી શિક્ષણને પ્રોત્સાહન આપવું, તાલીમી કાર્યક્રમો યોજવા, ખાદી અને ગ્રામ-ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું વગેરે. આ ઉપરાંત રોજગારીની તકો ઊભી કરવા કેટલાક વિશિષ્ટ કાર્યક્રમો યોજાયા છે; દા.ત, સંકલિત ગ્રામવિકાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામરોજગારી યોજના, ગ્રામીણ યુવાનોને તાલીમ આપતી રોજગારી યોજના, જવાહર રોજગાર યોજના, નેહરુ રોજગાર યોજના વગેરે.

અનિલ સોનેજી