બેકન, ફ્રાન્સિસ (જ. 22 જાન્યુઆરી 1561, લંડન; અ. 1 એપ્રિલ 1626, લંડન) : અંગ્રેજ વિચારક, રાજનીતિજ્ઞ અને સાહિત્યકાર. નાની વયથી વિચક્ષણ બુદ્ધિમત્તા તથા વૈચારિક પરિપક્વતા પ્રદર્શિત કરતાં માત્ર 12 વર્ષની વયે કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાં પ્રવેશ મેળવી ત્યાં બે વર્ષ (1573–75) અભ્યાસ કર્યો. ત્યારબાદ (1575ના વર્ષ દરમિયાન) પૅરિસ ખાતેની બ્રિટનની એલચી કચેરીમાં થોડો સમય કાર્યરત રહ્યા, પરંતુ પિતાના અવસાનને લીધે 1579માં લંડન પાછા ફર્યા અને 1582માં બૅરિસ્ટરની પદવી મેળવી લંડનમાં વકીલાત શરૂ કરી. એ સાથે સક્રિય રાજકારણમાં પણ દાખલ થયા. 1584માં માત્ર 23 વર્ષની વયે ઇંગ્લૅન્ડના સંસદના નીચલા ગૃહ–હાઉસ ઑવ્ કૉમન્સના સભ્ય બન્યા. રાણી એલિઝાબેથ-પહેલાં મહત્વની રાજકીય બાબતોમાં બેકનની સલાહ લેતાં. 1603માં તેમને નાઇટના ખિતાબથી સન્માનવામાં આવ્યા. રાજા જેમ્સ પહેલાના શાસનકાળ દરમિયાન 1607માં તેમની ઇંગ્લૅન્ડના મુખ્ય સોલિસિટર એટલે કે લૉર્ડ ચાન્સેલર તરીકે નિમણૂક થઈ. આ પદની રૂએ બેકને ઘણા મહત્વના રાજકીય મુકદ્દમાઓમાં દેશની સરકારનું પ્રતિનિધિત્વ કર્યું. રાજદ્વારી ક્ષેત્રે તેમની અસાધારણ પ્રગતિને કારણે તેમના રાજકીય હરીફોમાં ઈર્ષ્યા પેદા થઈ. તેમણે બેકન પર ભ્રષ્ટાચાર અને લાંચરુશવતના આક્ષેપો કર્યા, જે માટે તેમને 1621માં કારાવાસ અને દંડની સજા ફટકારવામાં આવી. પાછળથી આ બંને પ્રકારની સજા મોકૂફ રાખવામાં આવી હતી. આ ઘટના બાદ બેકને જાહેર જીવનમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી અને જીવનનો બાકીનો સમય બૌદ્ધિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ગાળવાનો નિર્ણય લીધો.
બેકને લખેલાં ત્રીસેક પુસ્તકોમાંથી મોટાભાગનાં અપૂર્ણ છે; તેમ છતાં અંગ્રેજીના સિદ્ધહસ્ત લેખક તરીકે તેઓ પોતાની છાપ ઉપસાવી શક્યા છે. જ્ઞાનસંવર્ધનના ક્ષેત્રે તેઓ વ્યાપક ફેરફારોના હિમાયતી હતા. વૈજ્ઞાનિક વિચારની પ્રક્રિયા દરમિયાન વસ્તુલક્ષી વલણના તેઓ આગ્રહી હતા. પદાર્થો જેવા છે તેવા રૂપે તેમનો અભ્યાસ થવો જોઈએ અને તેમ કરવાથી જ વૈજ્ઞાનિક ચકાસણીનો માર્ગ પ્રશસ્ત થશે એવો તેમનો ર્દઢ વિશ્વાસ હતો. માત્ર જ્ઞાન ખાતર જ્ઞાન નહિ, પરંતુ માનવજાતિના વિકાસ માટે જ્ઞાનનું વિસ્તરણ અને સંવર્ધન થવું જોઈએ એવું તેઓ માનતા હતા. તેમના આ ર્દષ્ટિકોણને લીધે જ સત્તરમી સદીના વૈજ્ઞાનિક વિકાસ પર બેકનની ઊંડી છાપ પડી હતી. ‘નૉલેજ ઇઝ પાવર’ એ તેમનું સૂત્ર આજે પણ પ્રચલિત છે. તે પોતાની જાતને નવા યુગનો ‘દાંડિયો’ ગણાવતા. ધર્મનિરપેક્ષતા, જ્ઞાનશક્તિ અને અનુભવજન્ય અવલોકન દ્વારા જ્ઞાનની ક્ષિતિજોનું વિસ્તરણ એ ત્રણ મુદ્દા બેકનની વિચારસરણી પરત્વે યાદગાર બની રહ્યા છે.
દર્શનશાસ્ત્ર અંગેનો તેમનો પ્રથમ ગ્રંથ ‘ધી એડવાન્સમેન્ટ ઑવ્ લર્નિંગ’ 1605માં અને બીજો ગ્રંથ ‘નોવમ ઑર્ગેનમ’ 1920માં પ્રકાશિત થયો. તેમણે છ ખંડોમાં પ્રયોજેલા ‘ઇન્સ્ટારેશિયો મૅગ્ના’(ધ ગ્રેટ ઇન્સ્ટૉરેશન)માંથી માત્ર આ બે જ ખંડો તેઓ પૂરા કરી શક્યા હતા. આ છ ખંડો દ્વારા પ્રયુક્ત વિજ્ઞાનની પદ્ધતિઓ, સિદ્ધાંતો અને સિદ્ધિઓનું સર્વેક્ષણ કરવાની તેમની નેમ હતી. આ પૂર્ણ કરેલા બે ગ્રંથો ઉપરાંત બેકને ‘એસેઝ’ની પ્રથમ આવૃત્તિ(1597)માં દસ અને દ્વિતીય આવૃત્તિ (1625)માં 58 વસ્તુનિષ્ઠ પ્રકારના નિબંધો આપ્યા છે. એમ કરીને તેઓ ‘નિબંધ’ સ્વરૂપના પિતાનું બિરુદ પામ્યા છે.
અમિત ધોળકિયા
દિગીશ મહેતા
રિખવભાઈ શાહ