બૅક, જ્યૉર્જ (સર) (જ. 1796, સ્ટૉકપૉર્ટ, ગ્રેટર માન્ચેસ્ટર, નૉર્થવેસ્ટ ઇંગ્લેન્ડ; અ. 1878) : ઉત્તર ધ્રુવપ્રદેશના સાહસખેડુ. 1818થી ’22 તથા 1825થી ’27 દરમિયાન તેમણે સર જૉન ફ્રૅન્ક્લિન સાથે ઉત્તર ધ્રુવની સાહસ-સંશોધનલક્ષી સફર ખેડી હતી. 1833થી ’35 દરમિયાન તે સાહસખેડુ સર જૉન રૉસની શોધમાં નીકળ્યા અને એ સાહસયાત્રામાં ‘આર્ટિલરી લેક’ની શોધ કરવા ઉપરાંત ‘ગ્રેટ ફિશ રિવર’ પણ શોધી કાઢી. હવે તે ‘બૅક્સ રિવર’ તરીકે ઓળખાય છે. તેમણે આ નદી થીજેલા મહાસાગરને મળે છે એવું પણ શોધી બતાવ્યું. 1836–37માં તેમણે આકર્ટિકનો કાંઠાવિસ્તાર પણ શોધી કાઢ્યો.

1839માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો હતો અને 1857માં તેમને ઍડમિરલ બનાવાયા હતા.

મહેશ ચોકસી