બૅર, રેમન્ડ (જ. 1924, સેંટ ડેનિસ, રિયુનિયન) : ફ્રાન્સના રાજકારણી અને વડાપ્રધાન. તેઓ સૉબૉર્નમાં એક પ્રભાવશાળી અને નવઉદારમતવાદી અર્થશાસ્ત્રી તરીકે પ્રતિષ્ઠા પામ્યા હતા. 1967થી 1972 દરમિયાન તેઓ યુરોપિયન કમિશનમાં ઉપાધ્યક્ષ હતા અને ત્યાં પણ તેઓ એવી જ નામના પામ્યા હતા.
રાષ્ટ્રપ્રમુખ ગિસ્કાર્ડના શાસન દરમિયાન તેઓ વિદેશવ્યાપાર વિભાગના પ્રધાન બન્યા. જૅક્સ ચિરાકના રાજીનામા પછી તેઓ વડાપ્રધાન તરીકે નિમાયા. 1980 પછીનાં વર્ષોમાં લિયૉન વિસ્તારમાં તેમણે રાજકીય પાયો સુર્દઢ બનાવ્યો; એ રીતે તેમણે ફ્રાન્સની લોકશાહી માટે કેન્દ્રસ્થ જમણેરી (centre-right) યુનિયન તરીકેની છાપ ઉપસાવી. 1988માં પ્રમુખપદ માટે યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી, પણ પ્રથમ વારના મતદાનમાં જ તેઓ હારી ગયા.
મહેશ ચોકસી