બેરર-બૉન્ડ : ઉછીનાં લીધેલા નાણાં અથવા ઊભાં કરેલાં દેવાં અંગે સરકાર, સ્થાનિક સત્તામંડળો, જાહેર સાહસો અથવા આર્થિક રીતે સબળ કંપનીઓએ પોતાની મહોર સાથે વિતરિત (issue) કરેલું સ્વીકૃતિપત્ર. ધારકના કબજામાં હોય તે જ તેનો માલિક ગણાય તેવો આ દસ્તાવેજ હોય છે. બૉન્ડ-સર્ટિફિકેટમાં દેવાની ચોક્કસ રકમની ભવિષ્યમાં ચોક્કસ તારીખે અથવા સમયાંતરે ચોક્કસ દરે વ્યાજ ચૂકવવાની બાંયધરી આપેલી હોય છે. વિતરકે ચુકવણી અંગે જામીનગીરી આપી હોય તો સ્વીકૃતિપત્ર બૉન્ડ તરીકે અને જામીનગીરી ન આપી હોય તો તે ડિબેન્ચર તરીકે ઓળખાય છે. પરંતુ ઇંગ્લૅન્ડ જેવા કેટલાક દેશોમાં આવી વૈધાનિક સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. ભારતમાં પણ તેવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. તેથી આવાં બૉન્ડ અને ડિબેન્ચરોમાં નહિવત્ ભેદ રહે છે. એક વ્યક્તિ પોતાના હસ્તક હેઠળના બેરર બૉન્ડની બીજી વ્યક્તિને સોંપણી કરીને તેની ફેરબદલી સહેલાઈથી કરી શકે છે. વિતરકને તે અંગે જાણ કરવાની હોતી નથી, કારણ કે વિતરકના ચોપડામાં ધારકના નામ અંગે કોઈ નોંધણી કરવામાં આવતી નથી. આવા બૉન્ડનાં ખરીદ, વેચાણ તથા તેના પર થતી આવક અંગે કોઈ પણ સ્થળે નોંધ રાખવામાં આવતી ન હોવાથી આવા બૉન્ડમાં નાણાં રોકી વિવિધ પ્રકારની કરચોરી થઈ શકે છે. બેરર-બૉન્ડ નિશ્ચિત કે બદલાતા દરના વ્યાજવાળાં અને લાંબા કે ટૂંકા ગાળાનાં હોય છે. સામાન્ય રીતે તેમના ઉપર દર 6 મહિને વ્યાજ ચૂકવવામાં આવે છે, પરંતુ કેટલાંક બૉન્ડની મુદત પાકે ત્યારે તેની ચુકવણી એકત્રિત વ્યાજ સાથે કરવામાં આવે છે. બેરર-બૉન્ડ ઉપર સમયાંતરે વ્યાજ ચૂકવવાનું હોય તો બૉન્ડનું વિતરણ ઉત્તર-દિનાંકિત (post-dated) કૂપનો સાથે કરવામાં આવે છે. તેથી પાકતી તારીખે જે વ્યક્તિ કૂપન રજૂ કરે તેને વ્યાજ ચૂકવવામાં આવે છે. વિશ્વની મોટાભાગની સરકારો પોતપોતાના દેશની મધ્યસ્થ બૅંક(central bank)ને બૅંક નોટ બહાર પાડવાનો અધિકાર આપે છે. ભારત સરકારે આવો અધિકાર રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાને આપેલો છે. આવી બૅંક-નોટો ચલણી નોટો કહેવાય છે. તે એક પ્રકારનાં બેરર-બૉન્ડ છે, કારણ કે મધ્યસ્થ બકે ઊભા કરેલા ઋણનું તે સ્વીકૃતિપત્ર છે અને ધારક અન્ય ધારકને તેની સહેલાઈથી સોંપણી કરીને તેની માલિકીની ફેરબદલી કરી શકે છે. અલબત્ત આ બેરર-બૉન્ડ ઉપર વ્યાજ આપવામાં આવતું નથી, કારણ કે તે મુદત પાક્યે ચુકવણીપાત્ર બેરર-બૉન્ડ નથી, પરંતુ ધારક માગણી કરે ત્યારે, દેશના પ્રવર્તમાન ચલણમાં તુરત જ ચુકવણી કરવાની બાંયધરી સાથે મધ્યસ્થ બૅંક તે બહાર પાડતી હોય છે. પોતાનું ખાતું હોય તેવી કોઈ પણ બૅંક ઉપર બૅંકના ગ્રાહકે લખી આપેલો બેરર-ચેક એ પણ એક પ્રકારનું બેરર-બૉન્ડ છે. પણ જનસમૂહમાં તેની વિશ્વસનીયતા ઝાઝી ન હોવાથી બેરર-બૉન્ડ તરીકે તે પ્રચલિત નથી.

જયન્તિલાલ પો. જાની