બૅન્ડેલીર, ઍડૉલ્ફ (જ. 1840, બર્ન; અ. 1914) : જર્મનીના નિષ્ણાત પુરાતત્વવિજ્ઞાની અને માનવશાસ્ત્રી. તેમણે ઈશાન અમેરિકાની પ્રિ-કોલમ્બિયન ઇન્ડિયન તથા પેરુ અને બોલિવિયાની સાંસ્કૃતિક પરંપરાના અભ્યાસની પહેલ કરી. 1880થી તેમણે મુખ્યત્વે ઍરિઝોના તથા ન્યૂ મેક્સિકોની સમસ્યાઓ વિશે કામ કરવા માંડ્યું અને તેમાં તેમણે દસ્તાવેજી સંશોધન, માનવવંશવિજ્ઞાન અને પુરાતત્ત્વીય સર્વેક્ષણ – એમ ત્રિવિધ પદ્ધતિઓ અપનાવી. 1892થી 1903નો લગભગ એક દશકો તેમણે પૅરુ તથા બોલિવિયામાં ગાળ્યો.

તેમની સ્મૃતિમાં 1916માં ન્યૂ મેક્સિકોમાં ‘સૅન્ટા ફે’ નજીકની એક ખીણ રૂપે ‘બૅન્ડેલીર રાષ્ટ્રીય સ્મારક’ રચવામાં આવ્યું.

મહેશ ચોકસી