બૅન્ટિંગ, ફ્રેડરિક ગ્રાન્ટ (સર) (જ. 14 નવેમ્બર 1891, ઍલિસ્ટન, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 21 ફેબ્રુઆરી 1941, ન્યૂફાઉન્ડલૅન્ડ) : ઇન્સ્યુલિનની શોધ માટે 1923ના દેહધાર્મિક વિદ્યા અને તબીબી વિદ્યાના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમના સહવિજેતા હતા જૉન જેમ્સ રિચાર્ડ મૅક્લિયૉડ. બૅન્ટિંગ કૅનેડિયન દેહધર્મવિદ્ (physiologist) હતા. તેઓએ ટૉરેન્ટોમાં તબીબી વિદ્યાનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ લશ્કરમાં જોડાયા હતા. યુવાન અને દેહસૌષ્ઠવ ધરાવતા બૅન્ટિંગને લશ્કરી કામગીરીમાં વીરતા દર્શાવવા માટે 1918માં સન્માનિત કરવામાં આવેલા હતા. તબીબી વિદ્યાનો વ્યવસાય ઠીક ન ચાલ્યો એટલે તેઓ ઑન્ટેરિયો યુનિવર્સિટીના દેહધાર્મિક વિદ્યાના પ્રાધ્યાપક મૅક્લિયૉડ સાથે જોડાયા. ત્યાં તાજા ભણીને તૈયાર થયેલા એવા અને મૅક્લિયૉડના સૂચનને કારણે જોડાયેલા ચાર્લ્સ એચ. બેસ્ટ નામના સહાયક સાથે તેઓ મધુપ્રમેહના અભ્યાસમાં રસ કેળવવા લાગ્યા. 1922માં બૅન્ટિંગનાં સંશોધનો બહાર
આવ્યાં ત્યાં સુધી મધુપ્રમેહ એક મૃત્યુકારક (fatal) રોગ ગણાતો હતો. તે સમયે એ જાણીતું હતું કે મધુપ્રમેહને સ્વાદુપિંડ નામના અવયવમાં આવેલા લાંગરહાન્સના દ્વીપકોષો (islet cells) સાથે કશોક સંબંધ છે; પરંતુ બૅન્ટિંગે સૌપ્રથમ તે અજાણ્યા અંત:સ્રાવને ઇન્સ્યુલિનના નામે અલગ પાડી બતાવ્યો. તેમણે એ દર્શાવ્યું કે તે લોહીમાંની ગ્લુકોઝ નામની શર્કરાની સપાટી જાળવે છે. બૅન્ટિંગના આ સંશોધનકાર્યના સમયે મૅક્લિયૉડ સપ્તવર્ષાંત રજા (સાત વર્ષે એક વર્ષ રજાનું મળે તે) (sabbatical leave) પર હતા અને તેથી બેસ્ટે તેમને તેમાં મદદ કરી હતી. જે. બી. કોલિપ નામના એક રસાયણશાસ્ત્રીએ (chemist)એ સ્વાદુપિંડમાંના નિષ્કર્ષ (extract)માંથી દર્દીઓને આપવાનાં ઇન્જેક્શનો બનાવી આપ્યાં હતાં. ઇન્સ્યુલિનની આ શોધે વિશ્વભરના મધુપ્રમેહના રોગથી પીડિત લોકોનાં જીવન બચાવ્યાં. 1923માં જ્યારે આ શોધ માટે બૅન્ટિંગ અને મૅક્લિયૉડને નોબેલ પારિતોષિક એનાયત થયું ત્યારે એક વિવાદ ઉદભવ્યો, કેમ કે આ શોધમાં મૅક્લિયૉડનો ફાળો નહિવત્ હતો. જોકે તે સમયે તેમનું એક સંશોધક અને વિદ્વાન (academician) તરીકે ઘણું મોટું નામ હતું. બેસ્ટને પારિતોષિક આપવામાં ન આવ્યું તેથી બૅન્ટિંગ દુ:ખી થયા. તેમણે પોતાનું અર્ધું પારિતોષિક બેસ્ટને આપ્યું. મૅક્લિયૉડે પણ પોતાના ભાગના પારિતોષિકમાં કોલિપને સહભાગી બનાવ્યા.
ઇન્સ્યુલિનનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ 1920માં પ્રાપ્ત થયું અને 1966માં સેંગરે તેનું રાસાયણિક બંધારણ દર્શાવ્યું, જેથી માલૂમ પડ્યું કે તે 51 ઍમિનોઍસિડનો બનેલો પ્રોટીનનો અણુ છે. બૅન્ટિંગ જોકે ત્યાર પહેલાં 1941માં બીજા વિશ્વયુદ્ધ-સમયે યુદ્ધ-વાયુઓ પર અભ્યાસ કરતા હતા અને તેઓ લશ્કરમાં જોડાયેલા હતા. એક વિમાન-દુર્ઘટનામાં તેઓ અવસાન પામ્યા.
શિલીન નં. શુક્લ