બેન્ટેઈ સ્રાઈ : ઈશ્વરપુર, કમ્બોડિયાનું શિવમંદિર. ઈ.સ. 967માં બંધાયેલ આ મંદિર અંગકોરથી 20 કિમી. ઉત્તરપૂર્વમાં આવેલું છે.

બેન્ટેઈ સ્રાઈ શિવમંદિરનો નકશો : (અ) મુખ્ય મંદિર મંડપ, (આ) ગૌણ મંદિરો, (ઇ) ગ્રંથાલયો, (ઈ) પ્રથમ અંતરિયાળનાં ગોપુરમ્–પ્રવેશદ્વાર, (ઉ) પરિધિની અટ્ટાલિકા પૂર્વેનાં દીર્ઘ ભવનો, (ઊ) દ્વિતીય અંતરિયાળનાં ગોપુરમ્, (એ) ખાઈ અથવા સરોવરો, (ઐ) તૃતીય અંતરિયાળનાં ગોપુરમ્, (ઓ) પ્રવેશવીથિ (દીર્ઘા),
(ઔ) માર્ગઉન્મુખ પરસાળો, (અં) પ્રવેશ ગોપુરમ્–મહાપ્રવેશદ્વાર

આમાં મુખ્યમંદિર, દેરીઓ, વાચનાલય અને ગોપુરમ્ તેમજ સમૂહને ફરતું  વિશાળ જળાશય–વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણપૂર્વ એશિયામાં ભારતીય સંસ્કૃતિનો (બૌદ્ધ અને હિંદુ) વ્યાપક પ્રસાર રહેલો. અશોકના સમયથી લગભગ નવમી સદી સુધી જુદા જુદા પ્રદેશોમાં સ્થાપત્યના ક્ષેત્રમાં આ પ્રસારથી અગત્યનાં કાર્યો થયાં, જેમાં મંદિરોના સમૂહોના નમૂનાઓ ખૂબ જ મહત્વના છે. આ નમૂનાઓમાં ચતુષ્કોણાકાર જળાશયોથી ઘેરાયેલા સમૂહો ઉલ્લેખનીય છે. તેમનો સંબંધ ઉપવન અને ખેતરોની જમીન અને સમગ્ર પર્યાવરણ સાથે સ્થપાયેલો જોવા મળે છે. આ રીતે જલાશયોની મધ્યમાં પથ્થર અથવા ઈંટોથી બંધાયેલા મંદિરને ‘મંદિર-પર્વત’ની ઉપમા અપાતી અને તેનાં શિખરો હિન્દુ દેવીદેવતાઓની મૂર્તિઓથી મુખારવિંદ સ્વરૂપનાં કંડારાતાં હતાં.

રવીન્દ્ર વસાવડા