બૅટ્સન, ગ્રેગરી (જ. 1904, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1980) : માનવશાસ્ત્રના જાણીતા અભ્યાસી. તેઓ વિલિયમ બૅટ્સન નામના જીવવિજ્ઞાનીના પુત્ર હતા. તેમણે ભૌતિક માનવશાસ્ત્રનો અભ્યાસ કર્યો કેમ્બ્રિજ ખાતે, પરંતુ પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો અમેરિકામાં.

માર્ગારેટ મીડની સાથે તેઓ પણ સંસ્કૃતિ અને વ્યક્તિત્વની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા. 1942માં તેમણે ‘બાલિનીઝ કૅરેક્ટર’ નામનું પુસ્તક પ્રગટ કર્યું. પ્રાણીઓમાં સંદેશાવ્યવહારને લગતા શાસ્ત્રમાં રસ પડવાથી અને તેના પ્રભાવ હેઠળ, તેમણે સસ્તન જળચર પ્રાણીઓ તેમજ માનસિક વિકૃતિ ધરાવતા માનવોના સંદેશાવ્યવહારને લગતી તથા જાણવા-શીખવાની વૃત્તિને લગતી સમસ્યાઓનો અભ્યાસ હાથ ધર્યો. તેમનું ખૂબ જાણીતું પુસ્તક છે ‘માઇન્ડ ઍન્ડ નેચર’ (1978).

મહેશ ચોકસી