બૅટ્શમન, સર જ્હૉન (જ. 1906, લંડન; અ. 1984) : અંગ્રેજ કવિ. 1972માં સી. ડી. લૂઇસ(Cecil Day Lewis)ના નિધન બાદ ઇંગ્લૅન્ડના રાજકવિ. ભૂતકાળની સ્મૃતિઓ અંગે તીવ્ર સંવેદના ધરાવતા આ કવિની રચનાઓમાં અનેક સ્થાનોની સ્મૃતિ તથા સામાજિક પરિવર્તન ખૂબ જ ચોકસાઈથી મૃદુ શૈલીમાં રજૂ થયેલ હોવાથી તેઓ ટૂંકા ગાળામાં લોકપ્રિય કવિ તરીકે ખ્યાતિ પામ્યા. તેમની કાવ્યરચનાઓમાં ઇંગ્લૅન્ડનાં વિસારે પડતાં જતાં સ્થળો પ્રત્યેની તેમની દિલચસ્પી વાચકોના ચિત્તને આકર્ષે તેવી રીતે રજૂ થયેલી છે. પ્રગતિની ઠાલી અને ક્યારેક વિનાશક લાગે તેવી બાબતો અંગે તથા ભદ્ર વર્ગની દંભી નીતિ-રીતિ અંગે તેમણે કરેલા કટાક્ષોથી તેમની કવિતાને વિશાળ વાચકવર્ગ પ્રાપ્ત થયો હતો.

બેટ્શમનને ટી. એસ. એલિયટ જેવા શિક્ષકની પાસે વિદ્યાભ્યાસ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. પાછળથી તેમણે માર્લબરો અને ઑક્સફર્ડમાં શિક્ષણ લીધેલું. તેમની પદ્યમાં લખાયેલ આત્મકથા ‘સમન્ડ બાય બેલ્સ’(1960)માં પોતે ઑક્સફર્ડ છોડ્યું ત્યાં સુધીનાં જીવનકાળનાં સ્મરણો છે. 1958માં પ્રગટ થયેલ ‘કલેક્ટેડ પોએમ્સ’માં વીતી ગયેલા જમાનાનાં સંભારણાંનાં કાવ્યો તથા લોકોની અરુચિકર જીવનશૈલીની બાબતો અંગેનાં કટાક્ષયુક્ત કાવ્યો છે. પાછળથી પ્રગટ થયેલાં કાવ્યોનાં પ્રકાશનોમાં ‘હાઇ ઍન્ડ લો’ (1966), ‘અ નિપ ઇન ધી એર’ (1974), ‘ચર્ચ પોએમ્સ’ (1981) તથા ‘અનકલેક્ટેડ પોએમ્સ’ (1982) મુખ્ય છે.

વિક્ટોરિયન સ્થાપત્યના તેઓ અત્યંત ચાહક હતા. તેમના ગ્રંથ ‘ઘાસ્ટલી ગુડ ટેસ્ટ’(1933)માં તથા તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘માઉન્ટ ઝિયૉન’ – બંનેમાં રસના વિષયો વચ્ચે સમાનતા દેખાય છે. બંનેમાં ચર્ચ, રેલવેસ્ટેશન અને શહેરી સ્થાપત્યોના વિષયોનું નિરૂપણ છે. 1941–42માં તેમણે ડબ્લિનમાં બ્રિટિશ પત્રકાર તરીકે કામગીરી બજાવેલી તે દરમિયાનની કાવ્યરચનાઓમાં આયર્લૅન્ડની ભૂમિ અને વાતાવરણ પશ્ચાદભૂમિકાનું કામ કરે છે.

1969માં નાઇટનો ખિતાબ પ્રાપ્ત કરનાર આ સર્જકનાં અંગ્રેજી પરગણાં અને જાહેર સ્થળો અંગેનાં માર્ગદર્શક પુસ્તકો પ્રગટ થયેલાં છે; જેમાં ‘ધી ઇંગ્લિશ ટાઉન ઇન ધ લાસ્ટ હન્ડ્રેડ યર્સ’ (1956) અને ‘ઇંગ્લિશ ચર્ચીઝ’ (1964) મુખ્ય છે. તેમની કવિતામાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પ્રજાને પડેલ મુશ્કેલીઓ અને ત્યારબાદની વ્યથાની વાત કોઈના પણ હૃદયને ખૂબ ઊંડે સુધી સ્પર્શી જાય તે રીતે વ્યક્ત થયેલી છે.

પંકજ જ. સોની