બેઠી રમતો : બેસીને રમાતી રમતો; ઘરમાં રહીને રમાતી રમતો – અંતર્ગૃહ (indoor) રમતો. રમતોના સામાન્ય રીતે બે મુખ્ય પ્રકાર પડી જાય છે : (1) દોડવું, કૂદવું, ફેંકવું, ચઢવું, તરવું વગેરે જેવી મોટા સ્નાયુઓના ઉપયોગવાળી રમતો તે શ્રમકારી રમતો; (2) બેસીને, આંગળીઓ જેવા નાના સ્નાયુઓના ઉપયોગથી રમી શકાય તેવી અથવા યાદશક્તિ, તર્કશક્તિ વગેરે માનસિક શક્તિઓનો ઉપયોગ જેમાં થતો હોય તેવી રમતો.

આ બેઠી રમતોમાં આ મુજબની રમતોનો સમાવેશ થાય છે : (1) મીડી ચોકડી, ચાર કૂકરી, નવ કૂકરી, સોળ કૂકરી, ડ્રાફટ્સ, શતરંજ વગેરે બાજીની રમતો; (2) પાસાબાજી, સીડીસાપ, સોગઠાંબાજી વગેરે પાસાની રમતો; (3) કૂકા, કૅરમ વગેરે લાઘવવાળી રમતો; (4) ઢગબાજી, મંગીસ, બે-ત્રણ-પાંચ, સતિયો, ગ્રીમ, બામ, પેશન્સ, મેમરી, ગુલામ-ચોર, બદામની સત્તી, નેપોલિયન, બ્રિજ, રમી વગેરે ગંજીપાની રમતો તથા (5) એકપદી, દ્વિપદી, ત્રિપદી, ચતુષ્પદી, ઉખાણાં, અંતકડી જેવી રમતો.

ચિનુભાઈ શાહ