બૃહસ્પતિમિત્ર (બૃહત્સ્વાતિમિત્ર) : ઈ. પૂ. 1લી સદીનો મગધનો રાજા. કલિંગના પ્રતાપી રાજા ખારવેલના હાથીગુફા અભિલેખમાં પોતે મગધના રાજા બૃહસ્પતિમિત્રને પાદ-વંદન કરાવ્યું એવો નિર્દેશ આવે છે. એનું આ પરાક્રમ ખારવેલના રાજ્યકાલના 12મા વર્ષે થયું હોવાનું એમાં જણાવ્યું છે. કેટલાક વિદ્વાનોએ આ બૃહસ્પતિમિત્રને શુંગ વંશનો સ્થાપક પુષ્યમિત્ર માનેલો, માત્ર બૃહસ્પતિ ગ્રહ પુષ્ય નક્ષત્રનો અધિપતિ ગણાય છે એ આધારે; પરંતુ એમાં ‘બૃહસ્પતિ’ અને ‘પુષ્ય’ને પર્યાયવાચક માનવામાં આવ્યા છે. એ તર્ક અન્ય વિદ્વાનોને અસ્વીકાર્ય લાગ્યો છે. ‘દિવ્યાવદાન’માં રાજા બૃહસ્પતિ અને રાજા પુષ્યમિત્રને ભિન્ન ગણ્યા છે. પુષ્યમિત્ર પાટલિપુત્રનો નિવાસી હતો. જ્યારે બૃહસ્પતિમિત્ર રાજગૃહનો નૃપ હતો.
ઉત્તર પ્રદેશમાંના પભોસા ગુફાલેખમાં ‘રાજગોપાલ-પુત્ર બૃહસ્પતિમિત્ર’ એવો નિર્દેશ આવે છે. એ ખારવેલના ગુફાલેખમાં જણાવેલ મગધરાજ બૃહસ્પતિમિત્ર હોવાનું જણાય છે. પાંચાલ પ્રદેશના પ્રાચીન અહિચ્છત્ર નામે પાટનગરમાં આ રાજાના સિક્કા મળ્યા છે. બૃહસ્પતિમિત્રનો સમકાલીન કલિંગનરેશ ખારવેલ ઈ. સ. પૂ. 1લી સદીના અંતિમ ભાગમાં થયો હોવાનું જણાય છે. પભોસા ગુફાલેખ પણ લિપિવિદ્યાની ર્દષ્ટિએ એ જ સમયનો હોવાનું માલૂમ પડે છે. પુષ્યમિત્ર શુંગ બૃહસ્પતિમિત્રની પહેલાં થઈ ગયો હતો.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી
જયકુમાર ર. શુક્લ