બુવયહ : એક ઈરાની રાજવંશનું નામ. તેના રાજવીઓએ ઈરાન તથા ઇરાકના પ્રદેશો ઉપર દસમા સૈકામાં શાસન કર્યું હતું. બુવયહ અથવા બુયહ નામના એક સરદારના નામ ઉપરથી વંશનું નામ બુવયહ પડ્યું હતું. આ વંશની શરૂઆત બુવયહના ત્રણ દીકરા અલી, અલ-હસન અને અહમદે કરી હતી. તેઓ બનૂ બુવયહ (બુવયહના વંશજો) કહેવાતા હતા. તેમાંથી અલ-હસન રુક્નુદ્દૌલાના દીકરા અઝુદુદ્દૌલાએ બુવયહ વંશના સૌથી વધુ લોકપ્રિય અને સફળ રાજવી તરીકે નામના મેળવી છે. તે ફારસી ભાષા અને સાહિત્યનો આશ્રયદાતા હતો. તેનું પૂરું નામ અબૂ શુજા ફન્ના ખુરુ હતું. તેનો જન્મ ઇસ્ફહાનમાં 936માં થયો હતો. તેનું અવસાન બગદાદમાં 983માં થયું હતું. તેણે બગદાદ પાસે નજફ નામના સ્થળે ઇસ્લામના ચોથા ખલીફા હજરત અલીના મજાર ઉપર મકબરો બંધાવ્યો હતો. અઝુદુદ્દૌલાને પણ એ જ મકબરામાં દફનાવવામાં આવ્યો હતો.
દસમા સૈકામાં બગદાદની અબ્બાસી વંશની ખિલાફત નબળી પડતાં, બુવયહ વંશે તેની સમાંતર એક નવી ઇસ્લામી સલ્તનતની સ્થાપના કરી હતી. તેમણે બગદાદની સાથે-સાથે પૂર્વમાં ઇસ્ફહાન અને શીરાઝને પણ સત્તાનું કેન્દ્ર બનાવ્યું હતું. તેમણે રાજ્યવહીવટમાં અનેક સુધારા દાખલ કરીને ખેતી તથા વેપારને સમૃદ્ધ બનાવ્યાં હતાં. તેઓ શિયા સંપ્રદાયના હતા અને તેમણે શિયા સંપ્રદાયની વિચારસરણીને સુર્દઢ બનાવી હતી. તેઓ રાજવહીવટ તથા અન્ય સત્તાઓ સાથેના રાજકીય સંબંધોની બાબતમાં ઘણા ઉદાર હતા. બુવયહ વંશના શાસકોએ ઉચ્ચ કોટિના અરબ મુસ્લિમ વિદ્વાનોને પ્રોત્સાહન આપ્યું હતું. તેમાં ભૂગોળશાસ્ત્રી અલ-ઇસ્તખરી, ગણિતશાસ્ત્રી અબુલવફા અલ-બૂઝજાની, સંખ્યાના ગાણિતિક સિદ્ધાંતના પ્રવર્તક અન-નસવી તથા તબીબ અલ-મજૂસીનો સમાવેશ થાય છે. અગિયારમા સૈકામાં મિસરમાં ફાતિમી ખિલાફતની સત્તા મજબૂત થઈ અને બગદાદમાં મુસ્લિમ ખિલાફતનું પણ પુનરુત્થાન થયું. તેના પરિણામે બનૂ બુવયહ વંશ ધીમે ધીમે નાબૂદ થઈ ગયો.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી