બુલંદ દરવાજો : ફતેહપુર સિક્રીનાં પ્રસિદ્ધ ભવનોમાં સહુથી ઊંચી અને ભવ્ય ઇમારત. તેને ત્યાંની જામી મસ્જિદના શાહી દરવાજાનું રૂપ આપવામાં આવ્યું છે અને તે દરવાજો શેખ સલીમ ચિશ્તીની દરગાહની બરાબર સમ્મુખ કરવામાં આવેલો છે. મુઘલ બાદશાહ અકબરે ગુજરાતવિજય કર્યો તેના સ્મારક રૂપે આ દક્ષિણ દરવાજો નવીન પદ્ધતિએ 1602માં કરાવ્યો હતો. ભારતની મસ્જિદોમાં, સૌપ્રથમ વાર  અહીં એક વિરાટ મસ્જિદના વિશાળ પ્રવેશદ્વારને કલાની ર્દષ્ટિએ સુંદર, સમન્વિત અને ભવ્ય બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ હોવાનું જણાય છે. તે જમીનથી 12.80 મી.ની ઊંચાઈએ આવેલો છે અને ત્યાં પહોંચવા માટે 42 પગથિયાંની સોપાનશ્રેણી રચેલી છે. દરવાજા પાસે તેની ઊંચાઈ 40.84 મી. છે. આમ જમીનથી દરવાજાની ટોચ 53.64 મી. પહોંચે છે.

બુલંદ દરવાજો

આ દરવાજામાં એક વિશાળ હૉલ, અને નાના નાના ઓરડાઓ છે. દરવાજાની ડાબી અને જમણી દીવાલો પર ગોખલાઓ કરેલા છે. રચના પરત્વે આ દરવાજો બાહ્ય ર્દષ્ટિએ ઈરાની શૈલીનો જણાય છે, પરંતુ નકશીકામ, છત્રીઓની રચના અને ગવાક્ષો વગેરે પરથી હિંદુ કલાનો પ્રભાવ સ્પષ્ટ પ્રતીત થાય છે. અલબત્ત, સમગ્ર રચના જોતાં તેમાં બૌદ્ધ સ્થાપત્યનું અનુકરણ કરેલું હોવાનું જણાય છે. આ દરવાજામાં પુરાણા જમાનાનાં બે વિશાળ કમાડો જોડેલાં યથાવત્ જોવામાં આવે છે. આ કમાડો પર સમ્મુખની શેખ સલીમની માનતા માટે અનેક યાત્રીઓએ લગાડેલ ઘોડાની નાળ ચોડવામાં આવેલી નજરે પડે છે.

પ્રવીણચંદ્ર પરીખ