બુલંદશહર : ઉત્તરપ્રદેશ રાજ્યમાં તેની પશ્ચિમ સરહદ પર મેરઠ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 25´ ઉ. અ. અને 77° 55´ પૂ. રે.ની આજુબાજુનો 4,353 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ સરેરાશ અંતર અનુક્રમે 56 કિમી. અને 88 કિમી. જેટલું છે. ગંગા અને યમુના નદીઓ આ જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ સરહદે વહે છે, તેથી તે બંને નદીઓ વચ્ચેનો ‘દોઆબ’ વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં ગાઝિયાબાદ, પૂર્વમાં મોરાદાબાદ અને બુદૌન, દક્ષિણમાં અલીગઢ જિલ્લા તથા પશ્ચિમે હરિયાણા રાજ્યની સરહદ આવેલી છે.

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ લગભગ સંપૂર્ણપણે સમતળ મેદાની વિસ્તારથી બનેલું છે. તેનો ઢોળાવ વાયવ્યથી અગ્નિતરફી છે. ગંગા-યમુનાના ખીણપ્રદેશ વચ્ચેનો મેદાની ભાગ પ્રમાણમાં ઊંચાઈવાળો છે, બાજુઓ ખદર(કાંપ)ના પટ્ટાથી બનેલી છે અને ફળદ્રૂપ હોવાથી ખેતીયોગ્ય બની રહેલી છે. પૂર્વ ભાગમાં ગંગાને મળતી કાલી નદી તથા પશ્ચિમ તરફ યમુનાને મળતી હિંડન નદીઓ વહે છે. કાંપથી બનેલા આ સમગ્ર વિસ્તારમાં કંકરનું વિપુલ પ્રમાણ જોવા મળે છે. ઉનાળાની મોસમમાં જમીનોમાંથી સ્રાવ પામીને નીકળી આવતો ખારનો પટ જામી જતો હોય છે. આ કારણે અહીંથી સૉલ્ટપીટર જેવા ક્ષારો મળી રહે છે. ગંગા-યમુના, કાલી, હિંડન અને નીમ નદીઓ અહીંનો જળપરિવાહ રચે છે.

બુલંદશહર જિલ્લો

ખેતી-પશુપાલન : જમીન ખૂબ જ ફળદ્રૂપ હોવાથી ખેતી અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે. જિલ્લાના 70 % લોકો ખેતીના કામમાં રોકાયેલા હોય છે. અહીંનો 87 % વિસ્તાર ખેતીને લાયક છે તે પૈકીની 82 % જમીનને સિંચાઈનો લાભ મળે છે. જિલ્લાના બધા જ તાલુકાઓ  પૈકી બુલંદશહર તાલુકાની 90% જમીન ખેતી હેઠળ આવરી લીધેલી છે. આ જિલ્લામાં 49 % રવી પાક, 47 % ખરીફ પાક અને 4 % ઝૈદ પાક લેવાય છે. ઘઉં અહીંનો મુખ્ય પાક છે, તે ઉપરાંત મકાઈ અને શેરડી પણ થાય છે. તુવેર સિવાય અન્ય કઠોળનું કે તેલીબિયાંનું વાવેતર અહીં મોટા પ્રમાણમાં થતું નથી. ખેડૂતો ખેતીની સાથે સાથે આવકવૃદ્ધિ માટે મુખ્યત્વે ભેંસો, ગાયો અને બળદ પાળે છે. અહીં દુધાળાં ઢોરનું પ્રમાણ વધુ હોવાથી સિકંદરાબાદ તાલુકામાં દૂધમંડળીઓ સ્થપાઈ છે. જિલ્લામાં અલાયદાં ચરિયાણક્ષેત્રો ન હોવાથી ઢોરોનું જીવન ખેતીમાંથી મળતા ચારા પર નભે છે.

ઉદ્યોગો : સામાન્ય રીતે જોતાં આ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે અવિકસિત છે, વળી અહીં કોઈ ખનિજો પણ મળતાં નથી. ખેતીના પાકો પર આધારિત છેલ્લાં થોડાંક વર્ષો દરમિયાન થોડા પ્રમાણમાં ઉદ્યોગોનો વિકાસ થતો ગયેલો છે. ગોળ, ખાદ્યતેલ, ખાદ્યપ્રક્રમણ જેવા નાના પાયા પરના ઉદ્યોગો કાર્યરત થયા છે. સિકંદરાબાદ, બુલંદશહર અને ખુરજા ખાતે 93 જેટલા નાના એકમો તથા સિકંદરાબાદ ખાતે 16 જેટલા મોટા ઉદ્યોગો (દિલ્હી અને ગાઝિયાબાદ નજીક હોવાથી) સ્થપાયા છે. જૂના વખતથી માટીની ચીજવસ્તુઓ માટે જાણીતા ખુરજા ખાતે લગભગ 400 જેટલા માટીના એકમો આવેલા છે. બુલંદશહર અને અનુપશહર ખાતે ખાંડની મિલો સ્થપાઈ છે. આ ઉપરાંત બુલંદશહર ખાતે 1971થી એક સુતરાઉ કાપડની સ્પિનિંગ મિલ કાર્યરત છે. અહીં ઊની ગાલીચા, માટીની ચીજવસ્તુઓ, કાપડનું રંગાટીકામ, જરીકામ તેમજ રમકડાં બનાવવાના હુન્નર-ઉદ્યોગો આવેલા છે. સિકંદરાબાદ અને ખુરજા ખાતે ઔદ્યોગિક વસાહતો પણ સ્થપાઈ છે. રાજ્ય સરકાર આ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે પગભર થાય તે માટે જરૂરી પગલાં લઈ રહી છે. 1996 મુજબ બુલંદશહર ખાતે કાજરિયા સિરૅમિક્સ, એશિયન પેઇન્ટ્સ, મયૂર સિન્ટેક્સ, પ્રીમિયર વિનીલ ફ્લોરિંગ,  ટ્રાન્સેસિયા કાર્પેટ્સ અને વિલાર્ડ ઇન્ડિયા જેવા એકમો કામ કરે છે.

વેપાર : આ જિલ્લામાં હોમિયોપેથિક ઔષધો, ગોળ, રૂ, કાપડ, ખાંડ, માટલાં, રાઈનું તેલ, કઠોળ, શેતરંજીઓ-ગાલીચા, પૉર્સિલિનની ચીજવસ્તુઓ, ચાંદીનાં પતરાં, કૃષિઓજારો તથા લાકડાનાં રાચરચીલાંનો વેપાર થાય છે. ગોળ, ગાલીચા, પૉર્સિલિનની ચીજવસ્તુઓ, માછલીઓ, શાકભાજી અને અનાજની નિકાસ થાય છે; જ્યારે લાકડાં, કાપડ, વનસ્પતિ-તેલો, કોલસો, પોશાકો, ખેતીનાં ઓજારો, ખાંડ, કેરોસીન, સિમેન્ટ, લોખંડ, ખાતરો અને અનાજની આયાત થાય છે.

પરિવહન-પ્રવાસન : આ જિલ્લો દેશના તથા રાજ્યના ઘણા ભાગો સાથે જોડાયેલો છે. અહીં 128 કિમી.ના રેલમાર્ગો અને 942 કિમી.ના પાકા રસ્તા આવેલા છે. દિલ્હી–હાવરા રેલમાર્ગ અહીંથી પસાર થાય છે. ફંટાયેલા શાખા-રેલમાર્ગો જિલ્લાનાં મુખ્ય મથકો માટે સગવડરૂપ બની રહેલા છે. જિલ્લામાં કુલ 14 જેટલાં રેલમથકો છે. ગ્રાન્ડ ટ્રન્ક રોડ, મેરઠ–બુલંદશહર, ખુરજા–જિવાર, સિકંદરાબાદ–દાનકૌર તથા બુલંદશહર–શિકારપુર માર્ગો અહીંના મુખ્ય સડકમાર્ગો છે. આ જિલ્લામાં કોઈ પ્રવાસયોગ્ય સ્થળો નથી. વારતહેવારે અહીં જુદા જુદા મેળાઓ ભરાય છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 28,49,859 જેટલી છે, તે પૈકી 15,35,572 પુરુષો અને 13,14,287 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 22,57,064 અને 5,92,795 જેટલું છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 22,77,189; મુસ્લિમ : 5,63,850; ખ્રિસ્તી : 712; શીખ : 3,023; બૌદ્ધ : 2,808; જૈન : 1,914; અન્યધર્મી : 236 તથા અનિર્ણીત ધર્મવાળા 127 જેટલા છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. શિક્ષિતોની સંખ્યા 10,11,768 જેટલી છે, જે પૈકી 7,60,023 પુરુષો અને 2,51,745 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 7,61,186 અને 2,50,582 જેટલું છે. જિલ્લામાં જુદા જુદા સ્તરની શાળાઓનું પ્રમાણ માફકસરનું છે. બુલંદશહર ખાતે 9 કૉલેજો આવેલી છે તથા હૉસ્પિટલની વ્યવસ્થા પણ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 5 તાલુકા અને 17 સમાજ-વિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં કુલ 22 નગરો તથા 1951 (92 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. બુલંદશહરની વસ્તી 1,26,737 (1991) જેટલી છે.

ઇતિહાસ : આ જિલ્લાના પ્રાચીન ઇતિહાસ માટે લોકવાયકાઓ ચાલે છે; પરંપરા મુજબ કહેવાય છે કે આ વિસ્તાર પાંડવ સામ્રાજ્યનો એક ભાગ હતો અને હસ્તિનાપુર તેનું પાટનગર હતું. ગંગાના પૂરથી હસ્તિનાપુરનો નાશ થયેલો. આજે તે મેરઠ જિલ્લામાં દટાયેલું હોવાનું મનાય છે. અહીંના એક વખતના તોમર રાજા અહિબરનના નામ પરથી આ નગરનું નામ બરન પડેલું; આ બરન શહેરની રક્ષા માટે તેણે કિલ્લો પણ બંધાવેલો. એક અભિલેખ પરથી જાણવા મળે છે કે આ નગર ગૌડ બ્રાહ્મણોથી વસેલું હતું. તેના પર પાંચમી સદીમાં ગુપ્તવંશી રાજાઓનું શાસન હતું.

આ નગરનો માહિતીભર્યો ઇતિહાસ તો ભારતમાં મુસલમાનોનાં આક્રમણો પછીથી શરૂ થાય છે. 1018માં મહમ્મદ ગઝની અહીં આવ્યો ત્યારે આ પ્રદેશ અહીંના રાજકુંવર હરદત્તને હસ્તક હતો. 1193માં કુત્બુદ્દીને આ નગર પર કબજો જમાવેલો. આજે અહીં વસતી મોટાભાગની જાતિઓ ચૌદમી સદીમાં આ સ્થળે આવેલી. તે પછીથી તો ઘણા રજપૂતોએ, અહીં રહેતા રક્ષણવિહીન ઘણા સ્થાનિક નિવાસીઓને કાઢી મૂકીને પોતે વસવાટ કરેલો. આ જ ગાળા દરમિયાન અહીં મુઘલનાં ધાડાં આવતાં ગયેલાં અને છેવટે અહીં મુઘલ શાસન સ્થાપિત થયું. 1707માં બહાદુરશાહના અહીંના પ્રવેશ બાદ બરનની આજુબાજુનો પ્રદેશ વેરવિખેર થઈ ગયેલો. પણ અહીંના ગુજ્જરો તથા જાટ લોકોએ તેમની ખુમારી બતાવેલી અને પોતાનો કાબૂ જમાવી રાખેલો. બરન ત્યારે કોઈલ(Koil)ના વર્ચસ હેઠળની જાગીર રહેલું, મરાઠાના આધિપત્ય હેઠળ કોઈલ તેનો વહીવટ કરતું.

1803માં બુલંદશહર તથા તેની આજુબાજુના વિસ્તારને અહીંના નવા રચાયેલા જિલ્લામાં ભેળવી દેવાયો, બરન નગર તેમજ નજીકનો અલીગઢનો કિલ્લો બ્રિટિશ કબજા હેઠળ ગયેલો. બુલંદશહરે 1857ની આઝાદીની ચળવળમાં ભાગ લીધેલો. તે પછીથી 1947 સુધી પણ જુદી જુદી સ્વાતંત્ર્યચળવળોમાં પોતાનો હિસ્સો આપેલો.

જિલ્લાનું બુલંદશહર નામ જિલ્લામથક પરથી અપાયેલું છે (બુલંદ = ઊંચું). આ શહેર કાલી નદીના ઊંચાઈ ધરાવતા કાંઠા પર વસેલું છે. આ નગર જિલ્લાના મધ્ય સ્થાને ગ્રાન્ડ ટ્રંક રોડ પર મોકાના સ્થાને આવેલું છે. 1823માં મેરઠ અને અલીગઢ જિલ્લાઓમાંથી વિભાગો અલગ કરીને આ જિલ્લો રચવામાં આવેલો છે, ત્યારે તે ઘણાં પરગણાંમાં વહેંચાયેલો હતો. 1844માં આ જિલ્લાને માત્ર 4 તાલુકાઓ(બુલંદશહર, સિકંદરાબાદ, ખુરજા અને અનુપશહર)માં વહેંચેલો. 1977માં સિકંદરાબાદ તાલુકાનું દાદરી નગર અને 172 ગામો ગાઝિયાબાદમાં ફેરવવાથી આજે તો બુલંદ જિલ્લાનો વિસ્તાર પહેલાંના કરતાં અડધો થઈ ગયો છે.

ગિરીશભાઈ પંડ્યા