બુન્સેન બર્નર : પ્રયોગશાળામાં પદાર્થોને ગરમ કરવા માટે જર્મન રસાયણવિદ્ રૉબર્ટ બુન્સેન (1811–1899) દ્વારા 1855માં ઉપયોગમાં લેવામાં આવેલું એક સાધન. તેમણે પીટર ડેસ્ડેગા કે માઇકેલ ફેરેડેની ડિઝાઇન ઉપરથી આ બર્નર તૈયાર કરેલું. ગૅસ-સ્ટવ અને વાયુ-ભઠ્ઠીનું તે પૂર્વજ (fore-runner) ગણી શકાય. તેમાં દહનશીલ વાયુને દહન પહેલાં યોગ્ય માત્રામાં હવા સાથે મિશ્ર કરી શકાય તેવી ગોઠવણ હોય છે.
બુન્સેન બર્નરમાં એક વર્તુળાકાર પાયા ઉપર બર્નર-નળી તરીકે ઓળખાતી ધાતુની પોલી નળી હોય છે. પાયાના ભાગમાં ઇંધન વાયુ લઈ આવતી નળીને છેડે એક ડીંટી (nipple) હોય છે. એક વાલ્વ દ્વારા ઇંધનવાયુનું પ્રમાણ ઓછુંવત્તું કરી શકાય છે. ઇંધનવાયુને દહન પૂરતી હવા (ઑક્સિજન) મળી શકે તે માટે બર્નર-નળીના નીચેના છેડાના ભાગમાં બે છિદ્રો હોય છે. બર્નર-નળીના આ નીચેના કાણાવાળા ભાગને ઢાંકતી અને કાંઠલા (collar) અથવા ખોળી (sleeve) તરીકે ઓળખાતી બીજી પોલી નળી હોય છે. બુન્સેનના મૂળ બર્નરમાં આવી વ્યવસ્થા નહોતી. કાંઠલામાં પણ મૂળ નળીના જેવાં જ બે કાણાં હોય છે. કૉલરને ગોળ ફેરવવાથી ઇંધનવાયુમાં મિશ્ર થતી હવાનું પ્રમાણ નિયંત્રિત કરી શકાય છે.
હવા અને વાયુનું મિશ્રણ (આશરે 1 ભાગ વાયુ અને 3 ભાગ હવા) દબાણ દ્વારા બર્નરની ટોચ ઉપર પહોંચે છે, જ્યાં તેને દીવાસળી વડે સળગાવી શકાય છે. આ રીતે મળતી જ્યોતનો અંદરનો નાનો શંકુ આકારનો ભાગ જે પ્રાથમિક જ્યોત તરીકે ઓળખાય છે તે આછો ભૂરો રંગ ધરાવે છે, જ્યારે દ્વિતીયક જ્યોત તરીકે ઓળખાતો બહારનો મોટો શંકુ આકારનો ભાગ લગભગ રંગવિહીન હોય છે. આવું ત્યારે જ જોવા મળે છે, જ્યારે દહન પામતાં રહી ગયેલો વાયુ આજુબાજુની હવાથી સંપૂર્ણ ઉપચયન પામતો હોય. બર્નરની જ્યોતનો સૌથી ઉષ્ણ ભાગ પ્રાથમિક જ્યોતની ટોચની સહેજ ઉપર જોવા મળે છે, જ્યાં તાપમાન આશરે 1500° સે. (2700° ફે.) જેટલું હોય છે. જો હવા થોડી પસાર કરવામાં આવે તો વાયુનું સંપૂર્ણ દહન થશે નહિ, જેથી કાર્બનના બારીક કણો ઉત્પન્ન થશે, જે તપીને જ્યોતને પ્રકાશિત (luminous) બનાવે છે. જ્યારે હવાનું વધુ પ્રમાણ હોય ત્યારે જ્યોત બર્નરની નળીના અંદરના ભાગમાં જ સળગી ઊઠે છે અને ક્યારેક પાછી બહારની તરફ ભપકી શકે છે. આથી મૂળ બુન્સેન બર્નરમાં ફેરફાર કરી બનાવેલા મેકર અને ફિશર બર્નરમાં ધાતુની એક જાળી ગોઠવેલી હોય છે, જે મિશ્રણના પ્રવાહના વેગને વધારે છે અને જ્યોતને નળીની ટોચ ઉપર જ રાખે છે. ફિશર બર્નરમાં દબાણયુક્ત હવા વપરાય છે. અહીં આ પ્રકારના સુધારાથી વાયુના સંપૂર્ણ દહન માટે પૂરતી હવા મળી રહેતી હોવાથી આજુબાજુની હવા પર આધારિત દ્વિતીયક જ્યોત મળતી નથી અને તેથી પ્રાથમિક જ્યોતની ઉષ્ણતામાં વધારો થાય છે.
સંજય શાહ