બુન્સેન, રૉબર્ટ વિલ્હેલ્મ

January, 2000

બુન્સેન, રૉબર્ટ વિલ્હેલ્મ (જ. 31 માર્ચ 1811, ગોટિન્જન, વેસ્ટફિલિયા; અ. 16 ઑગસ્ટ 1899, હાઇડલબર્ગ, બાડન) : પ્રયોગકાર તરીકે બહુમુખી પ્રતિભા ધરાવતા, રાસાયણિક  વર્ણપટમિતિની પહેલ કરનાર જર્મન રસાયણવિદ્. બુન્સેનના પિતા ગોટિન્જનમાં ગ્રંથપાલ તથા ભાષાવિજ્ઞાનના પ્રાધ્યાપક હતા. બુન્સેનનો રસાયણનો અભ્યાસ ત્યાં શરૂ થયો તથા પૅરિસ, બર્લિન અને વિયેનામાં પણ તેમણે વિશેષ અભ્યાસ કર્યો. 1852માં તેઓ હાઇડલબર્ગમાં પ્રાધ્યાપક બન્યા અને નિવૃત્તિ સુધી ત્યાં જ રહ્યા.

બુન્સેનને સિદ્ધાંતોને મુકાબલે પ્રયોગાત્મક અભિગમમાં વિશેષ રસ હતો. તેમના પ્રથમ સંશોધન દ્વારા તેમણે ડ્યુમા (Dumas) અને લીબીગના મૂલક (radical) સિદ્ધાંતને અનુમોદન આપ્યું. અનેક કેકોડાઇલ [(CH3)2As–] સમૂહવાળાં સંયોજનોની શ્રેણી તેમણે બનાવી. આ સંયોજનો ખૂબ ખરાબ વાસવાળાં, વિષાળુ અને સળગી ઊઠે તેવાં હોય છે. આ શ્રેણીના દરેક સંયોજનમાં કેકોડાઇલ સમૂહની હાજરી દ્વારા તેમણે મૂલક સિદ્ધાંતનું અનુમોદન કર્યું. આ કામ દરમિયાન તેમણે એક આંખ ગુમાવી અને સોમલ(આર્સેનિક ધરાવતા સંયોજન)ની ઝેરી અસરથી મરતાં મરતાં માંડ બચ્યા. આ પછી તેમણે પોતાની પ્રયોગશાળામાંથી કાર્બનિક રસાયણના પ્રયોગોને તિલાંજલિ આપી.

પોતાના સહયોગી પ્રો. કીરચોફ સાથે તેમણે 1859માં રાસાયણિક વિશ્ર્લેષણ માટે વર્ણપટ વિકસાવી અને માત્ર બે વર્ષમાં જ તેની મદદ દ્વારા તેમણે સીઝિયમ અને રુબિડિયમ – એમ બે નવાં તત્ત્વો શોધી કાઢ્યાં. તેમણે 1891માં બુન્સેન-કોષ તરીકે ઓળખાતો ઝિંક-કાર્બન પ્રાથમિક કોષ બનાવ્યો અને તેના દ્વારા તેમણે ક્રોમિયમ તથા મોલિબ્ડિનમ ધાતુઓ તેમના ક્ષારનાં દ્રાવણોમાંથી વીજ-નિક્ષેપન દ્વારા મેળવી. આ જ રીતે પિગાળેલા ક્લોરાઇડ ક્ષારોમાંથી તેમણે મૅગ્નેશિયમ, ઍલ્યુમિનિયમ, સોડિયમ, બેરિયમ, કૅલ્શિયમ તથા લિથિયમ ધાતુઓ પણ મેળવી હતી. તેમણે આઇસ કૅલરીમિટર નામનું ઉપકરણ પણ બનાવ્યું (1870) અને તેની મદદથી ઉપર દર્શાવેલી ધાતુઓના સાપેક્ષ પરમાણુભાર શોધવા માટે એ ધાતુઓની ઉષ્મા-ધારિતા (heat capacity) માપી.

રૉબર્ટ વિલ્હેલ્મ બુન્સેન

તેઓ વાયુવિશ્લેષણના નિષ્ણાત હતા અને તેના વિવિધ ઉપયોગો તેમણે પ્રયોજ્યા હતા. રોસ્કો સાથેના સંશોધનમાં તેમણે પ્રકાશ-રસાયણ ઉપર સંશોધન કર્યું, જેને માટે તેમણે ફોટોમિટર (1844) તથા એક્ટિનૉમિટર નામનાં ઉપકરણો વિકસાવ્યાં. વિશ્લેષણમાં તેમના રસને કારણે તેમણે ફિલ્ટર પંપ (1868) સહિત અનેક પ્રાયોગિક ઉપકરણો વિકસાવ્યાં. બુન્સન બર્નર બનાવવાનું તથા વેચવાનું મુખ્યત્વે તેમના ટૅકનિશિયન પીટર ડેસ્ડેગાને ફાળે જાય છે.

બુન્સેન ઉત્તમ શિક્ષક હતા અને તેમનાં પ્રવચનો ખૂબ ખ્યાતિ પામ્યાં હતાં. એંસી વરસ સુધી તેઓ સંશોધનમાં રત રહ્યા. લગ્ન માટે જૉન ડૉલ્ટનની જેમ તેમને સમય જ ન મળ્યો, તેવું તેમણે કબૂલેલું !

જ. પો. ત્રિવેદી