બુન્દાબર્ગ : ઑસ્ટ્રેલિયા ખંડના ક્વીન્સલૅન્ડ રાજ્યના અગ્નિકોણમાં પેસિફિક મહાસાગરને કિનારે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 24° 52´ દ. અ. અને 152° 21´ પૂ. રે. તે બ્રિસ્બેનથી આશરે 320 કિમી. અંતરે ઉત્તર તરફ બર્નેટ નદી પર વસેલું છે. તેની વસ્તી 52,267 (1993) જેટલી છે.

બુન્દાબર્ગ અહીં શેરડી ઉગાડતા પટ્ટાના દક્ષિણ ભાગનું શેરડી માટેનું મથક ગણાય છે. આ શહેરના મોટાભાગના ઉદ્યોગ-એકમો શેરડીના વાવેતર, ખાંડ-પ્રક્રમણ, ખાંડ-બજાર તથા તેની નિકાસ સાથે સંકળાયેલા છે. અન્ય ઉત્પાદકીય એકમોમાં દારૂ ગાળવાની ભઠ્ઠીઓ, ઈંટ-ઉત્પાદન, લાટી-ઉદ્યોગ તથા જહાજ બાંધકામનો સમાવેશ થાય છે. ફળો અને શાકભાજી આ વિસ્તારના મહત્વના પાકો છે. અહીં ખાસ કરીને ટામેટાનું વાવેતર ઑસ્ટ્રેલિયાનાં દક્ષિણ તરફનાં રાજ્યો માટે કરવામાં આવે છે.

લાકડાના વેપાર માટે ખોજ કરતા રહેતા દરિયાખેડુઓમાં અહીં આવનાર પ્રથમ યુરોપિયનો જૉન અને ગૅવિન સ્ટુઅર્ટ હતા. આ વિસ્તારના સર્વેયર થૉમ્પ્સને 1869માં નગર વસાવવા આ સ્થળ પર પસંદગી ઉતારેલી. તેણે અહીં વસતી બુન્દા જાતિ પરથી આ સ્થળને બુન્દાબર્ગ નામ આપેલું. 1913 સુધીમાં તે શહેર રૂપે પૂરો વિકાસ સાધી શકેલું.

ગિરીશભાઈ પંડ્યા