બુધગુપ્ત (ઈ. સ. 477–495 દરમિયાન હયાત) : ગુપ્ત વંશનો સમ્રાટ. સ્કંદગુપ્ત પછી તેનો ભાઈ પુરુગુપ્ત ગાદી પર આવ્યો. તેના પછી તેનો પુત્ર બુધગુપ્ત, ઈ. સ. 477માં સત્તાસ્થાને આવ્યો. હ્યુ-એન-ત્સાંગના મત મુજબ તે શક્રાદિત્ય = મહેન્દ્રાદિત્ય કુમારગુપ્ત 1નો પુત્ર હતો. તેણે ઈ. સ. 477થી 495 સુધી રાજ્ય કર્યું હતું એમ તેના ચાંદીના સિક્કાઓ પરથી જાણી શકાય છે. મંજુશ્રી-મૂલકલ્પમાં દેવરાજ નામે એક શાસકનો જે ઉલ્લેખ આવે છે તે બુધગુપ્ત જ હશે એમ ડૉ. પી. એલ. ગુપ્તનો અભિપ્રાય છે.

બુધગુપ્તના ત્રણ અભિલેખો મળી આવ્યા છે, સારનાથ, દામોદરપુર (બંગાળ) તથા એરણ (મધ્યપ્રદેશ) ખાતેથી. તેનાથી જાણવા મળે છે કે તેના સમયમાં ગુપ્ત સામ્રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ ટકી રહ્યાં હતાં. હ્યુ-એન-ત્સાંગના મત મુજબ તે નાલંદા વિદ્યાપીઠનો આશ્રયદાતા હતો અને તેણે એક બૌદ્ધ સંઘારામ બંધાવ્યો હતો. તેના અભિલેખોથી જ્ઞાત થાય છે કે તેની સત્તા પૂર્વમાં બંગાળથી લઈને પશ્ચિમમાં છેક નર્મદા નદી સુધી પ્રવર્તતી હતી.

આમ છતાં અન્ય સાધનોથી અનુમાન થઈ શકે છે કે તેના સમય દરમિયાન ગુપ્ત સામ્રાજ્યની શાંતિ અને પ્રતિષ્ઠા ક્ષીણ થઈ રહી હતી. તેના સમકાલીન મૈત્રક અને પારિવ્રાજક સામંતો, ઉપરાંત પાંડુવંશી રાજા ઉદયન અને માળવા તથા બંગાળના ઉપરિકો પણ ગુપ્ત સમ્રાટની અધીનતા ફગાવી તે અભિલેખોમાં પોતાનો ‘મહારાજ’ તરીકે ઉલ્લેખ કરે છે.

બુધગુપ્તના ત્રણેક સુવર્ણના સિક્કાઓ મળ્યા છે, એમ ડૉ. પી. એલ. ગુપ્તનો અભિપ્રાય છે. તેના ચાંદીના સિક્કા પણ મળ્યા છે. ‘મંજુશ્રી-મૂલકલ્પ’ ઉપરથી બુધગુપ્તનું અવસાન ગુપ્ત સંવત 175(ઈ. સ. 494–95)માં થયું હોવાનું જણાય છે. તેના અંતિમ દિવસોમાં તે શત્રુઓથી ચારે બાજુએથી ઘેરાઈ ગયો હોવાનું પણ અનુમાન કરાય છે.

ઉષાકાન્ત શાસ્ત્રી